મુંબઈ: હૉસ્પિટલમાંથી ભાગ્યો, રોડ પર જ દમ તોડ્યો

11 July, 2020 07:43 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ: હૉસ્પિટલમાંથી ભાગ્યો, રોડ પર જ દમ તોડ્યો

ફુટપાથ પર પડેલો મૃતદેહ

ડોમ્બિવલી-વેસ્ટમાં આવેલી શાસ્ત્રીનગર હૉસ્પિટલથી થોડે દૂર ફુટપાથ પર એક વ્યક્તિ ગુરુવારે રાતે કોરોનાથી પીડાતી જોવા મળતાં આસપાસમાં રહેતા કેટલાક લોકો કોરોનાનો ચેપ લાગવાની બીકે દૂરથી જ જોતા રહ્યા હતા. એ લોકોએ એવો દાવો કર્યો હતો કે અમે વિષ્ણુનગર પોલીસ સ્ટેશન અને શાસ્ત્રીનગર હૉસ્પિટલને આ વિશે જાણ કરી હતી, પણ લાંબા વખત સુધી કોઈ એને લેવા આવ્યું નહોતું અને આખરે એ વ્યક્તિએ ફુટપાથ પર જ અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો હતો.

આ ઘટના વિશે માહિતી આપતાં શાસ્ત્રીનગર હૉસ્પિટલનાં ચીફ મેડિકલ ઑફિસર સુહાસિની બડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ ૫૦થી ૫૫ વર્ષના દર્દી રાજેન્દ્ર મોરેને ૫ જુલાઈએ અમારે ત્યાં કોરોનાની સારવાર માટે દાખલ કરાયા હતા. રાજેન્દ્ર મોરે ગુરુવારે રાતે હૉસ્પિટલમાંથી નાસી ગયા હતા. એ વખતે અન્ય એક દર્દીનું મૃત્યુ થયું હોવાથી અમારો સ્ટાફ એ કામમાં પડ્યો હતો. હાલ અમારે ત્યાં ૮૦ કોરોનાના દર્દીને દાખલ કરીને સારવાર અપાઈ રહી છે. ડબલ વર્ક-લોડ છે, એક વૉર્ડમાં એક જ વૉર્ડબોય અને એક નર્સ સાથે કામ ચલાવી રહ્યા છીએ. એ નાસી ગયા બાદ અમને જ્યારથી બહારથી આવેલા કૉલ દ્વારા એ વાતની જાણ થઈ ત્યારે તેને ફરી કેઝ્યુઅલ્ટીમાં લઈ આવ્યા હતા અને તપાસતા તેઓ મૃત પામ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.’

બીજી એક વાત, પોલીસ કહે છે કે અમારી હૉસ્પિટલની બહાર ચોકી છે. તો રાતના સમયે એ દર્દી જ્યારે બહાર નીકળી ગયા ત્યારે પોલીસે તેમને ચેક ન કર્યા? તેમની પૂછપરછ કરી તેમના દસ્તાવેજ ન માગ્યા? કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે.

જોકે રાજેન્દ્ર મોરે હૉસ્પિટલથી થોડે જ દૂર ફુટપાથ પર પટકાઈ પડ્યા હતા. જોકે એ વખતે તેમને સખત શ્વાસ ચડતા એ તેમના વિશે કોઈને કશું કહી ન શક્યા, અને લોકો પણ તેમની પાસે જતા ડરી રહ્યા હતા.

આ બાબતે વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. મુણ્ગેકરે કહ્યું હતું કે ‘અમને આ ઘટના વિશે જાણ થઈ છે, પણ તપાસ કરતા એવું જણાઈ આવ્યું હતું કે એ કોરોના દર્દી હૉસ્પિટલમાંથી નાસી ગયેલો દર્દી હતો. વળી બે અઢી કલાક બાદ હૉસ્પિટલવાળા તેને શોધીને લઈ ગયા હતા પણ એ દરમ્યાન તેનો કોરોના વધી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. અમને પણ બહારથી જ એ વિશે માહિતી મળી હતી. કોરોનાના દર્દીને હૉસ્પિટલ લઈ જવા એક ખાસ પ્રોસિજર હોય છે અને એ કામ પોલીસનું નથી. પોલીસ તેને કઇ રીતે હૉસ્પિટલ લઈ જઈ શકે? છેવટે અમારા કર્મચારીઓમાં પણ કોરોનાનો ચેપ લાગવાનો ડર રહે છે. અમારા કર્મચારીઓને પણ જીવ વહાલો હોય છે. એ બદલ વધુ માહિતી જોઈતી હોય તો હૉસ્પિટલને જ પૂછો.’

ડબલ વર્ક-લોડ છે, એક વૉર્ડમાં એક જ વૉર્ડબોય અને એક નર્સ સાથે કામ ચલાવી રહ્યા છીએ. એ નાસી ગયા બાદ અમને જ્યારથી બહારથી આવેલા કૉલ દ્વારા એ વાતની જાણ થઈ ત્યારે તેને ફરી કેઝ્યુઅલ્ટીમાં લઈ આવ્યા હતા અને તપાસતા તેઓ મૃત પામ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.
- સુહાસિની બડેકરે, શાસ્ત્રીનગર હૉસ્પિટલનાં ચીફ મેડિકલ ઑફિસર

કોરોનાના દર્દીને હૉસ્પિટલ લઈ જવા એક ખાસ પ્રોસિજર હોય છે અને એ કામ પોલીસનું નથી. પોલીસ તેને કઇ રીતે હૉસ્પિટલ લઈ જઈ શકે? છેવટે અમારા કર્મચારીઓમાં પણ કોરોનાનો ચેપ લાગવાનો ડર રહે છે.
- આર. એન. મુણ્ગેકર, વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર

mumbai mumbai news dombivli coronavirus covid19 lockdown