ખારઘરમાં કેમિસ્ટના 16 સ્ટાફરના કોરોના રિપૉર્ટ પૉઝિટિવ આવતા ફફડાટ

28 July, 2020 12:59 PM IST  |  Mumbai | Mehul Jethva

ખારઘરમાં કેમિસ્ટના 16 સ્ટાફરના કોરોના રિપૉર્ટ પૉઝિટિવ આવતા ફફડાટ

પ્રતીકાત્મક તસવીર

કોરોના કોને અને ક્યાંથી આવશે એની કોઈને ખબર નથી. પનવેલમાં સેક્ટર-૨૧માં આવેલી ઍપલ મેડિકલ સ્ટોરના કુલ ૧૬ જણ કોરોના-પૉઝિટિવ આવતાં આખા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. પાલિકાએ તરત દુકાનને સીલ કરીને તમામ સ્ટાફને ઇલાજ માટે ઇન્ડિયા બુલ્સ કોવિડ સેન્ટર મોકલી આપ્યા છે.

પનવેલના ખારઘર વિસ્તારમાં સેક્ટર-૨૧માં આવેલી ઍપલ કેમિસ્ટ પનવેલ શહેરનું સૌથી મોટો મેડિકલ સ્ટોર છે, જેમાં દિવસે અનેક ગ્રાહકો આવતા હોય છે. એ સ્ટોરમાં કામ કરતા ૧૩ કર્મચારી એકસાથે પનવેલ સેક્ટર-૧૬માં રહે છે. શનિવારે સ્ટોરમાં કામ કરતા એક જણની તબિયત ખરાબ થઈ હતી. ત્યાર બાદ તેનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં તમામ સ્ટાફની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં તમામ સ્ટાફનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

પનવેલ કૉર્પોરેશનનાં કૉર્પોરેટર લીના ગરાડે જણાવ્યું હતું કે ઍપલ મેડિકલ સ્ટોર ચતુર્ભુજ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી ખારઘરમાં આવેલું છે અને એમાં કુલ ૧૬ જણનો સ્ટાફ છે. તેમાંના ૧૩ જણ સેક્ટર-૧૬માં સાથે રહે છે. બાકીના ત્રણ પનવેલના બીજા વિસ્તારમાં રહે છે. આ મેડિકલમાં અનેક ગ્રાહકો આવે છે એથી હાલમાં આ મેડિકલ અને જે જગ્યાએ આ ૧૩ જણ રહેતા હતા એ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. ખારઘરમાં આ સૌથી મોટી કેમિસ્ટની દુકાન હોવાથી આસપાસના લોકોમાં ભારે ડર બેસી ગયો છે.

mumbai mumbai news coronavirus covid19 kharghar lockdown mehul jethva