મુંબઈમાં શરાબની હોમ ડિલિવરી કરવાની છૂટ આખરે અપાઈ

23 May, 2020 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં શરાબની હોમ ડિલિવરી કરવાની છૂટ આખરે અપાઈ

આ મહિનાની શરૂઆતમાં જ્યારે દારૂની દુકાનો બે મહિના માટે ખુલી હતી ત્યારે કુર્લાની દુકાનમાં ગ્રાહકોએ ભીડ ભેગી કરી હતી (તસવીર: સૈયદ સમીર આબેદી)

દારૂની હોમ ડિલિવરી કરવાની પરવાનગી આપવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ કાલે આદેશ બહાર પાડ્યો હોવાથી આજથી જે લોકો દારૂ મગાવવા માગતા હોય તેઓ ઑનલાઈન ઑર્ડર આપીને મગાવી શકશે. જો કે લોકો સોશ્યલ ડિસ્ટિન્સિંગનું પાલન ન કરતા હોવાથી શહેરમાં દારુની દુકાનો હમણા તો નહીં ખૂલે એવી સ્પષ્ટતા કમિશનર ઈકબાલસિંહ ચહલે કરી હતી.

રાજ્યમાં લૉકડાઉનના કારણે પહેલાં દારૂના વેચાણ પર બંધી હતી, પણ એ પછી સરકારે મહેસૂલની આવક વધારવા દારૂના વેચાણને છૂટ આપી હતી. પણ ત્યારે દારૂ લેવા માટે લોકોએ ભારે ભીડ કરતાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શક્યું નહોતું એથી મુંબઈમાં એના વેચાણ પર બંધી મૂકી દેવાઈ હતી. જોકે ૪ મે પછી દારૂના વેચાણના કારણે જ રાજ્ય સરકારને ૩૦૦ કરોડ રૂપિયાની મહેસૂલની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈ અને અન્ય કેટલાંક શહેરોને બાદ કરતાં ૪ મેથી રાજ્યમાં દારૂનું વેચાણ શરૂ થયું હતું. અનેક જગ્યાએ દારૂની દુકાનો થોડો સમય માટે ખૂલી રહેતી હતી, જ્યારે ઘણી જગ્યાએ દારૂની ઘેરબેઠાં ડિલિવરી કરાઈ રહી છે. રાજ્યના ૩ જિલ્લા ચંદ્રપુર, વર્ધા અને ગડચિરોલીને બાદ કરતાં બાકીના જિલ્લાઓમાં કેટલીક શરતો સાથે દારૂનું વેચાણ કરવાની પરવાનગી અપાઈ હતી. લોકોને ઘરે પણ દારૂની ડિલિવરી મળી રહી છે. એક જ દિવસમાં ૩૪,૩૫૨ લોકોએ ઘરે દારૂની ડિલિવરીનો લાભ લીધો હોવાની માહિતી રાજ્ય સરકાર અને રાજ્ય ઉત્પાદન શુલ્ક વિભાગે આપી છે.

આની સામે દારૂ વેચાણના કાયદાના ભંગ બદલ રાજ્ય ઉત્પાદન શુલ્ક વિભાગે ૫૯૮૪ ગુના દાખલ કરીને ૨૬૬૪ આરોપીઓની ધરપકડ પણ કરી છે. રાજ્યભરમાં લૉકડાઉનના સમયગાળામાં અત્યાર સુધી ૧૬.૧૬ કરોડ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

coronavirus covid19 lockdown mumbai mumbai news