સ્ટ્રૉન્ગ એટ 91: વિદ્યાવિહારનાં પુષ્પાબહેન પારેખ સામે કોરોના હાર્યો

29 September, 2020 08:43 AM IST  |  Mumbai | Rohit Parikh

સ્ટ્રૉન્ગ એટ 91: વિદ્યાવિહારનાં પુષ્પાબહેન પારેખ સામે કોરોના હાર્યો

પુષ્પાબહેન પારેખ

વિદ્યાવિહાર-ઈસ્ટની નીલકંઠ વૅલી સોસાયટીમાં રહેતાં ૯૧ વર્ષનાં પુષ્પાબહેન પારેખે હોમ-કવૉરન્ટીનમાં રહીને કોરોનાને માત આપી છે. પુષ્પાબહેન ૧૪ દિવસ સુધી હોમ-ક્વૉરન્ટીન રહ્યાં હતાં. એ દરમ્યાન તેઓ ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ દવાઓની સાથે સૂંઠની ગોળી, હળદરવાળું દૂધ અને ગિલોયના જૂસનું સેવન કરતાં હતાં. તેમની સાથે તેમના મોટા પુત્ર ૬૮ વર્ષના હિતેશ પારેખ પણ હોમ-ક્વૉરન્ટીન હતા. ગઈ કાલે સોમવારે બન્ને જણના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી આજે બન્ને મા-દીકરા હોમ-ક્વૉરન્ટીનમાંથી બહાર આવી ગયાં છે.

હિતેશ પારેખ અને તેમનાં મમ્મી પુષ્પાબહેનને ૧૫ સપ્ટેમ્બરે કોવિડ પૉઝિટિવ ડિટેક્ટ થયો હતો. આ બાબતની માહિતી આપતાં હિતેશ પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારી મધરનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવતાં અમે પહેલાં તો ખૂબ ગભરાઈ ગયા હતા. મધરને કોઈ જ કોવિડનાં લક્ષણો દેખાતાં નહોતાં, પરંતુ હું કોવિડ-પૉઝિટિવ આવતાં અમે બન્ને હવે શું કરવું એ બાબતની વિમાસણમાં હતાં. જોકે અમારા ફૅમિલી ફિઝિશ્યન ડૉ. ચેતન વેલાણીએ મધરનો સીટી સ્કૅન રિપોર્ટ અને અન્ય રિપોર્ટ જોયા પછી અમને કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના હોમ-ક્વૉરન્ટીન થવાની સલાહ આપી હતી. ડૉક્ટરની સલાહ બાદ હું અને મારાં મધર અમારી સોસાયટીમાં અમારા બીજા ફ્લૅટમાં ક્વૉરન્ટીન થઈ ગયાં હતાં. હું અને મધર ગિલોયનો જૂસ, સૂંઠની ગોળી અને હળદરવાળું દૂધ સતત સેવન કરતાં હતાં.’

પુષ્પાબહેને જણાવ્યું કે ‘ગઈ કાલે સોમવારે અમારો ક્વૉરન્ટીન-પિરિયડ પૂરો થઈ જતાં હવે હું અને મારા પુત્ર હિતેશ આજે અમારા આઠમા માળના ફ્લૅટમાં અમારા પરિવાર પાસે પાછાં આવી ગયાં છીએ. હવે હું ખૂબ ખુશ છું.’

હું હંમેશાં મારા પરિવાર વચ્ચે રહેવા ટેવાયેલી છું. મને હાર્ટની તકલીફ હોવાથી મારી એક સર્જરી થઈ છે. મને પેસમેકર મૂકવામાં આવ્યું છે છતાં હું મારા ઘરનાં કામ અને મારાં ધર્મધ્યાન સ્વસ્થતાપૂર્વક કરું છું. - પુષ્પાબહેન પારેખ

vidyavihar coronavirus covid19 mumbai mumbai news