પિતાને પુત્રના જન્મની ખુશાલીમાં પેંડા વેચવાનું ભારે પડ્યું

10 July, 2020 01:35 PM IST  |  Nanded | Agencies

પિતાને પુત્રના જન્મની ખુશાલીમાં પેંડા વેચવાનું ભારે પડ્યું

કોરોનામાં સપડાયેલા નાંદેડના ૨૪ વર્ષના પિતાને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.

પુત્રના જન્મની ખુશાલી અહીંના એક ૨૪ વર્ષના યુવક માટે ક્ષણજીવી નીવડી હતી. પોતાનો આનંદ વ્યક્ત કરવા પેંડા વેચવા જતાં આ યુવક કોરોનાની ચપેટમાં આવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તે હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ ગયો છે અને તેના સંપર્કમાં આવેલા તથા પેંડા ખાનારા ૧૧૬ લોકોને ક્વૉરન્ટીન કરવા પડ્યા હતા.

નાંદેડ જિલ્લાના કંધાર તાલુકામાં આવેલા કાટકળંબા ગામમાં રહેતા એક ૨૪ વર્ષના યુવકના ઘરે પુત્રનો જન્મ થયો હતો. પુત્રજન્મની ખુશાલીમાં યુવાને પેંડા વહેંચવાનો નિર્ણય લઈને એ બનાવીને વહેંચણી કરી હતી. જોકે પેંડા ખાધા બાદ કેટલાક લોકોની તબિયત ખરાબ થવાની સાથે યુવકને પોતાને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જણાયું હતું. આ બનાવથી ગામઆખાની ઊંઘ ઊડી ગઈ હતી અને પ્રશાસન-પોલીસ દોડતાં થયાં હતાં.

મળેલી માહિતી મુજબ ૨૪ વર્ષનો યુવક ઔરંગાબાદની એક કંપનીમાં કામ કરે છે. ૪ જુલાઈએ તેના ઘરે પુત્રનો જન્મ થયો હોવાથી તે પોતાના ઘરે આવ્યો હતો. ઘરે આવીને તે પોતાના પરિવારજનો સાથે ગામમાં બે દિવસ રહ્યો હતો. પુત્રજન્મની ખુશાલીમાં તેણે પરિવારજનો અને મિત્રવર્તુળમાં પેંડા વેચ્યા હતા.

આ દરમ્યાન યુવકને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જણાતાં તેની કોવિડ-19 ટેસ્ટ કરાઈ હતી જેમાં તેનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તે જેમના સંપર્કમાં આવ્યો હતો તેવા ૧૧૬ લોકોને ક્વૉરન્ટીન કરાયા હતા. પ્રશાસને એકસાથે આટલાબધા લોકોને ક્વૉરન્ટીન કરવા પડ્યા હોવાથી ગામનો આખો વિસ્તાર સીલ કરવો પડ્યો હતો.

nanded mumbai mumbai news coronavirus covid19 lockdown