મુંબઈ: કોરોનાની ટેસ્ટ કરાવતાં ડરે છે મુંબઈગરાઓ

18 July, 2020 06:50 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ: કોરોનાની ટેસ્ટ કરાવતાં ડરે છે મુંબઈગરાઓ

ઘેર-ઘેર તપાસ કરનારા હેલ્થ વર્કરોને મલાડની એક સોસાયટીએ ગઈ કાલે પ્રવેશ આપવાની ના પાડી હતી.

પશ્ચિમી સબર્બ્સમાં ખાનગી લૅબોરેટરીઓને સાંકળીને રૅપિડ ઍન્ટિજન ટેસ્ટિંગનો અવકાશ વિસ્તારવાના મહાનગરપાલિકાના પ્રયાસો છતાં આ પહેલને વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો નથી અને ઘણા લોકો ટેસ્ટ કરાવવા પ્રત્યે ઉદાસીન છે. આ પ્રક્રિયા આ સપ્તાહના પ્રારંભમાં પી-નૉર્થ અને પી- સાઉથ વૉર્ડમાં શરૂ થઈ હતી અને ૭૪૦૦ ઘરોને આવરી લીધા બાદ બીએમસી માત્ર બસો કરતાં વધુ લોકોની ટેસ્ટ કરી શકી હતી, જેમાંથી ૧૭ પૉઝિટિવ હતા.

ગયા સપ્તાહે આરોગ્ય વિભાગે ઍન્ટિજન ટેસ્ટ માટેના દરો નક્કી કરવા માટે અને ખાનગી લૅબોરેટરીઓ નીમવા ટેન્ડર બહાર પાડ્યું હતું. આ દરમિયાન થાઇરોકૅર ટેક્નૉલાજિસ અને સબર્બન ડાયગ્નૉસ્ટિક્સ એ બે ખાનગી લૅબોરેટરીને ૧૪ જુલાઈથી પી-સાઉથ વૉર્ડ (મલાડ) અને ૧૬ જુલાઈથી પી-નૉર્થ વૉર્ડ (ગોરેગામ)ના કન્ટેનમેન્ટ ઝોન્સના રહેવાસીઓની ટેસ્ટ કરવા માટે સાંકળવામાં આવી હતી.

પી-નૉર્થમાં ટીમે આશરે ૫૭૦૦ ઘરોના સર્વે કર્યા હતા અને માત્ર ૧૨૭ લોકોની ટેસ્ટ કરી હતી, જેમાંથી ૧૪ પૉઝિટિવ હોવાનું માલૂમ પડ્યું હતું. પી-સાઉથમાં ૧૭૧૨ ઘરોના સર્વે કરાયા હતા, ૫૭ લોકોની ટેસ્ટ લેવાઈ હતી એમાંથી ત્રણ વ્યક્તિની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી.

આ પણ વાંચો : મુંબઈ: એમએમઆર લૉક જ રહેશે?

પી-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સંજોગ કાબરેએ જણાવ્યું હતું કે ‘ઍન્ટિજન-ટેસ્ટિંગ બિલ્ડિંગમાં કરવામાં આવે છે અને ક્યાંય જવાની જરૂર નથી હોતી. અમારો હેતુ રોજના ૨૫૦ સૅમ્પલનું ટેસ્ટિંગ કરવાનો છે, પરંતુ લોકો ઉદાસીન છે. અમને આશા છે કે વધુ જાગૃતિ સાથે અમે લોકોને ટેસ્ટિંગ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરી શકીશું. ૨૬ જુલાઈ સુધીમાં ૩૦૦ સોસાયટી આવરી લેવાનો અમારો લક્ષ્યાંક છે.’

mumbai mumbai news coronavirus malad kandivli andheri brihanmumbai municipal corporation arita sarkar