મુંબઈ: કોરોના આડો આવ્યો આ જૈન કપલે વર્ષીતપ છોડ્યું

04 August, 2020 07:31 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ: કોરોના આડો આવ્યો આ જૈન કપલે વર્ષીતપ છોડ્યું

ભાવિન મહેન્દ્ર ભેદા અને તેમની પત્ની ભારતી

ડોમ્બિવલી-ઈસ્ટમાં રહેતા જૈન દંપતીએ આ અખાત્રીજથી બીજી વાર સજોડે વર્ષીતપ શરૂ કર્યાં હતાં, પણ હવે તેઓ બન્ને કોરોના-સંક્રમિત થતાં તેમણે વર્ષીતપ છોડવાં પડ્યાં છે. જોકે આવતા વર્ષે તેમણે ફરી તપ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

ડોમ્બિવલી-ઈસ્ટમાં ગોગ્રાસવાડી પાસે રહેતા મૂળ મોખા ગામના કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના ૪૦ વર્ષના ભાવિન મહેન્દ્ર ભેદા અને તેમની પત્ની ભારતીએ અક્ષય તૃતીયાથી બીજી વાર સજોડે વર્ષીતપ શરૂ કર્યાં હતાં, પણ તેઓ કોરોનામાં સપડાતાં હવે તેમણે એ છોડવાં પડ્યાં છે. વ્યવસાયે ફોટોગ્રાફર અને પોતાનો સ્ટુડિયો ધરાવતા ભાવિન ભેદાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં કચ્છમાં કાળધર્મ પામેલા પ.પૂ. ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે ૨૦૧૬માં ૫૦મું વર્ષીતપ કર્યું હતું ત્યારે અમે સજોડે પહેલું વર્ષીતપ કર્યું હતું. ત્યાર બાદ વર્ષીતપ નહોતું કર્યું, પણ અઠવાડિયામાં ૩ ઉપવાસ કરતાં જ હતાં. આ વર્ષે ફરી વર્ષીતપ લીધું હતું. ગયા સોમવારે મને તાવ જેવું લાગ્યું અને ભારતીને પણ ગળામાં ઇન્ફેક્શન જણાતાં અમે અમારા ફૅમિલી ડૉક્ટર ચંદ્રેશ પાસડનો સંપર્ક કર્યો હતો. તેમણે કોરોનોની શંકા જણાતાં ટેસ્ટ કરાવવાનું કહ્યું અને અમે તરત જ સરકારી ટેસ્ટિંગ સેન્ટરમાં ટેસ્ટ કરાવી તો અમારો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. અમારે ક્વૉરન્ટીન થવું પડે એમ હતું. અમારા ઘરમાં બે બાથરૂમની વ્યવસ્થા હોવાથી અમે હોમ-ક્વૉરન્ટીન થઈ ગયાં, પણ ડૉક્ટરે સલાહ આપતાં કહ્યું કે આવી પરિસ્થિતિમાં વર્ષીતપ કરવાં યોગ્ય નથી. બીજું, વર્ષીતપના ઉપવાસના દિવસે અમે દવા પણ ન લઈ શકીએ એટલે આખરે વર્ષીતપ છોડવાનું દુઃખ થતું હોવા છતાં પ્રૅક્ટિકલ બનીને અમારે વર્ષીતપ અધવચ્ચે જ છોડવાં પડ્યાં છે. જોકે આવતા વર્ષે અમારો ફરી વર્ષીતપ કરવાનો નિર્ધાર છે. હાલમાં હું અને ભારતી અલગ-અલગ રૂમમાં ક્વૉરન્ટીન રહીને સમય પસાર કરી રહ્યાં છીએ.’

mumbai mumbai news dombivli coronavirus covid19 lockdown