મુંબઈ : બોરીવલી રેલવે સ્ટેશને પ્રવાસીઓની લાગી લાંબી લાઇન

26 November, 2020 08:57 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ : બોરીવલી રેલવે સ્ટેશને પ્રવાસીઓની લાગી લાંબી લાઇન

બોરવવી સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ

રાજ્ય સરકારે રાજ્યમાં કોરોના વધુ ન ફેલાય એ માટે ગઈ કાલે ૨૫ નવેમ્બરથી દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ગોવાથી મહારાષ્ટ્રમાં આવતા પ્રવાસીઓને ચેકિંગ વિના એન્ટ્રી ન આપવાના બે દિવસ પહેલાં આપેલા આદેશની અમલબજાવણી શરૂ થઈ હતી. પહેલા દિવસે ગુજરાત અને રાજસ્થાન તરફથી આવતી ટ્રેનોમાંથી બોરીવલી સ્ટેશને ઉતરેલા પ્રવાસીઓને ચેકિંગ કરવામાં બહુ સમય લાગ્યો હોવાથી રેલવે સ્ટેશનની બહાર નીકળતા કલાકો થયા હતા.

રેલવે સ્ટેશને તહેનાત કરાયેલી પાલિકા અને પોલીસની ટીમો પ્રવાસીઓની સંખ્યા સામે અપૂરતી હોવાને લીધે આ સમસ્યા સામે આવી હતી. આથી ફરી એક વખત પુરવાર થયું હતું કે સરકારે પૂરતી તૈયારી વિના ચાર રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા લોકોની ચેકિંગનો નિર્ણય લઈને લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ટ્રેનના દરેક મુસાફરની કોવિડ ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત કરાયો હોવા છતાં પહેલા દિવસે જેમની પાસે રિપોર્ટ નહો તેમને બોડી ટેમ્પરેચર અને ઑક્સિજન લેવલ ચકાસીને જવા દેવાયા હતા.

બોરીવલી (ઈસ્ટ)માં અત્યારે સ્ટેશનના વચલા ગેટથી જ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરાઈ છે. ટિકિટ કાઉન્ટર પાસે આવેલા એ ગેટ પર બોરીવલીથી જનારા પ્રવાસીઓ અને બહારગામની અને લોકલ ટ્રેનમાંથી આવનારા પ્રવાસીઓ માટે અલગ અલગ ગેન્ગ-વે રખાયા હતા.

એક બાજુએ બીએમસીના કોવિડ-19ના ટેસ્ટિંગનું કાઉન્ટર રાખવામાં આવ્યું છે, જેમાં બીએમસીના પંજાબી લેન કોવિડ સેન્ટરના ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ તેમના ટેસ્ટિંગ મટિરિયલ સાથે તહેનાત હતો. એમના જ કર્મચારીઓ હાથમાં થર્મલ ગન અને ઑક્સિમિટર સાથે ઑક્સિજન લેવલ અને પલ્સ ચેક કરતા હતા. બ્રિજ પરથી પણ બહારગામના લોકો આવતા હોવાથી ત્યાં પણ એ વ્યવસ્થા રાખવામાં આવી હતી.

બીએમસીનો ૭થી ૮ જણના સિક્યૉરિટી સ્ટાફ સિવાય આરપીએફનો સ્ટાફ સેવા આપી રહ્યો હતો. લોકોને લાઇનમાં ઊભા રાખવા, જો કોઈ સિનિયર સિટિઝન હોય તો તેમને હેલ્પ કરવી, કોઈ ગિરદીને ટાળવા બાજુમાંથી સરકી જઈ ચેકિંગ કરાવ્યા વગર નીકળી જવાનો પ્રયાસ કરે તો તેની પાછળ જઈ તેને પકડી લાવી તેનું ચેકિંગ કરાવતા હોવાનું જણાઈ આવ્યું હતું. અલમોસ્ટ દરેક વ્યક્તિનું ચેકિંગ કરાતું હતું. જે પ્રવાસીઓ લોકલ હતા અને લોકલ ટ્રેનથી પ્રવાસ કરીને આવ્યા હતા તેમનું ચેકિંગ કરાતું નહોતું. તેમને ઝડપથી નીકળી જવા માટે અલગ વ્યવસ્થા રખાઈ હતી. 


બીએમસીના બોરીવલી વેસ્ટમાંની પંજાબી લેનમાં આવેલા કોવિડ કૅર સેન્ટરના ડૉ. સોહમ પેઠે જે રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહ્યા હતા તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બે ડૉક્ટર્સ અને અન્ય સપોર્ટિવ મેડિકલ સ્ટાફ મળી ૮ જણની ટીમ છે જે શિફ્ટ વાઇઝ કામ કરી રહી છે. સવારથી બપોર સુધીમાં અમે અંદાજે ૮૦૦-૧૦૦૦ પ્રવાસીઓનું ચેકિંગ કર્યું છે. થર્મલ ગનથી તેમના ટેમ્પરેચર અને ઑક્સિજન અને પલ્સ ચેક કરાઈ રહ્યા છે. બપોરે ૩ વાગ્યા સુધીમાં એક જ એવા સિનિયર સિટિઝન પ્રવાસી મળ્યા જે કોરોનાગ્રસ્ત હતા. તેમનામાં લક્ષણો જણાતાં એન્ટિજન ટેસ્ટ કરાઈ હતી, જે પૉઝિટિવ આવી હોવાથી તેમને કોવિડ કૅર સેન્ટરમાં મોકલાયા હતા. ઘણા પ્રવાસીઓએ એન્ટિજન ટેસ્ટના રિપોર્ટ કઢાવ્યા હતા. જોકે આજે પહેલો જ દિવસ હોવાથી પ્રવાસીઓ પાસે સર્ટિફિકેટ હોવું જ જોઈએ એવી જબરદસ્તી ન રાખતા તેમને ટેસ્ટ કરી જવા દેવાતા હતા. ઘણા પ્રવાસીઓ ઓલરેડી ટ્રેનમાં હતા એથી તેમને એ માટે જબરદસ્તી કરાઈ નથી, પણ અહીં ચેકિંગમાં કોઈ કચાશ રખાઈ નથી.’

પ્રવાસીઓએ શું કહ્યું?

ભુજમાં રેપિડ ટેસ્ટ કરાવી
અમને પરમ દિવસે (સોમવારે)સાંજે જ જાણ થઈ ગઈ હતી કે મુંબઈમાં કોવિડ ટેસ્ટનું સર્ટિફિકેટ જોઈશે. એટલે મેં અને મારા ૮૦ વર્ષના પિતા ભગવાનજીભાઈ વોરાએ ભુજમાં રેપિડ ટેસ્ટ કરાવી હતી જે નેગેટિવ હતી. જોકે અમારો રિપોર્ટ અહીં ચેક કરાયો નથી પણ ટેમ્પરેચર અને ઑક્સિજન લેવલ ચેક કરાયા હતા.
- વિજય વોરા

ટ્રેનમાં બેઠા પછી ખબર પડી
અમને ખબર નહોતી કે મુંબઈ ઉતર્યા પછી સર્ટિફિકેટ માગશે. અમને તો જ્યારે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે મંગળવારે રાતે ખબર પડી. અમે ટેસ્ટ કરાવી નહોતી. જોકે અહીં તેમણે ટેમ્પરેચર અને ઑક્સિજન ચેક કર્યા હતા. બીજી કોઈ તકલીફ પડી નથી.
- ભવાનજી બૌવા અને મનીષા મારુ

ટેસ્ટ કરાવવાની ખબર નહોતી
અમે એક મહિના પહેલાં જ સુરતથી પાછા આવવાની ટિકિટ કઢાવી હતી. સવારે ૧૦ વાગ્યે અમે ટ્રેનમાં બેઠા હતા, અમને ખબર જ નથી કે આવા કોઈ નિયમ જાહેર થયા છે. અમે ટેસ્ટ કરાવી નહોતી. જોકે અહીં આવ્યા બાદ તેમણે ચેકિંગ કર્યું હતું.
– અરુણા પ્રફુલ પરમાર

mumbai mumbai news borivali western railway coronavirus covid19 lockdown