ગુજરાતીઓના ગઢમાં કોરોના રોકવા માટે ધારાવી પૅટર્નના શરણે બીએમસી

10 July, 2020 07:58 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ગુજરાતીઓના ગઢમાં કોરોના રોકવા માટે ધારાવી પૅટર્નના શરણે બીએમસી

કોરોનાનું ટેસ્ટિંગ કરતા ડૉક્ટરો

મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૪ વૉર્ડમાં વિભાજિત કરાયેલા મુંબઈમાં પાંચ વૉર્ડને બાદ કરતાં ૧.૫૮ ટકાની ઝડપથી કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે, જ્યારે ગુજરાતીઓના ગઢ ગણાતા દહિસર, બોરીવલી, કાંદિવલી, મલાડ જેવા ઉત્તર મુંબઈ તથા સેન્ટ્રલ મુંબઈના મુલુંડમાં ૨.૩ ટકાથી ૩.૪ ટકાની ઝડપે કેસ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રશાસન દ્વારા કોરોનાને નિયંત્રણમાં રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ એમાં સફળતા નથી મળી રહી. પ્રશાસને ધારાવીમાં અપનાવેલા મૉડલ દ્વારા વધી રહેલા કેસને નિયંત્રણમાં લાવવાની શરૂઆત કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
૧થી ૭ જુલાઈ દરમ્યાનના અઠવાડિયામાં કોરોનાના કેસના આંકડા જોઈએ તો દહિસર, બોરીવલી અને કાંદિવલી હૉટસ્પૉટ બની ગયાં છે. આ ત્રણેય વિસ્તારોમાં આવેલા વૉર્ડ આર-સેન્ટ્રલ (બોરીવલી)માં ૩.૨ ટકાની સ્પીડે, તો આર-નૉર્થ (દહિસર)માં ૨.૮ ટકા અને આર-સાઉથ (કાંદિવલી)માં ૨.૫ ટકાની ઝડપે કેસ વધી રહ્યા છે. પી-નૉર્થ (મલાડ)માં નવા કેસ ૨.૩ ટકાના દરે વધ્યા છે, જ્યારે મુંબઈભરમાં ‘ટી’ વૉર્ડ (મુલુંડ)માં સૌથી વધારે ૩.૪ ટકાની ઝડપે કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

૭ જુલાઈ સુધીના અઠવાડિયા દરમ્યાન ઉત્તર મુંબઈના ત્રણેય વૉર્ડનું વિશ્લેષણ કરીએ તો ખ્યાલ આવે છે કે અહીં કેસની ટકાવારી વધવાની સાથે દર્દીઓમાં પણ વધારો થયો છે. વૉર્ડ આર-સાઉથ (કાંદિવલી)માં ૩૩૩૦, વૉર્ડ આર-સેન્ટ્રલ (બોરીવલી)માં ૩૨૬૫, જ્યારે વૉર્ડ આર-નૉર્થ (દહિસર)માં કોરોનાના ૧૯૩૮ કેસ નોંધાયા હતા. જોકે પી-નૉર્થ (મલાડ)માં ૫૦૦૦થી વધારે કેસ છે.

‘ટી’ વૉર્ડ (મુલુંડ)માં ૩.૪ ટકાની ઝડપે કેસ વધવાની સાથે અહીં ૭ જુલાઈ સુધી ૩૧૦૪ જેટલા કેસ નોંધાયા હતા. અહીં દર ૨૮ દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે; જ્યારે બોરીવલીમાં ૨૨ દિવસ, કાંદિવલીમાં ૨૫ દિવસ, દહિસરમાં ૨૮ દિવસ અને મલાડમાં ૩૧ દિવસ લાગે છે. આ પાંચ વૉર્ડ સિવાય મુંબઈમાં કોરોનાના કેસ ૪૪ દિવસે બમણા થઈ રહ્યા છે.

શું કહે છે બીએમસી?
મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અહીં હાઉસ ટુ હાઉસ સર્વેની સાથે ફિવર ક્લિનિક, મોબાઇલ ક્લિનિક, સ્ટેશનરી ડિસ્પેન્સરી દ્વારા કોરોનાના શંકાસ્પદ દર્દીઓને શોધવાની શરૂઆત કરી છે. આરોગ્ય વિભાગના કર્મચારી તથા સ્વયંસેવકોને થર્મલ ગનની સાથે પલ્સ ઑક્સિજન ચેક કરવા માટેનાં સાધનો અપાયાં છે, જેથી કોઈને વાઇરસનું સંક્રમણ થયું હોય તો જાણી શકાય અને તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી શકાય.’

ક્યાં કેટલા કેસ?
દહિસર આર/નૉર્થ - ૨૦૨૩
બોરીવલી આર/સેન્ટ્રલ- ૩૪૧૦
કાંદિવલી આર/સાઉથ - ૪૦૩૯
મલાડ પી/નૉર્થ - ૫૩૮૨
મુલુંડ ટી/વૉર્ડ - ૩૩૫૦
(આ આંકડા ૮ જુલાઈ સુધીના છે)

mumbai mumbai news coronavirus covid19 lockdown malad dahisar borivali kandivli prakash bambhrolia