ગુડ ન્યુઝ : એમએમઆરમાં 25 ટકા કેસ ઘટ્યા

10 August, 2020 07:04 AM IST  |  Mumbai | Prajakta Kasale

ગુડ ન્યુઝ : એમએમઆરમાં 25 ટકા કેસ ઘટ્યા

થાણે વેસ્ટમાં હજૂરી ખાતે થઈ રહેલી રૅપિડ અ‌ૅન્ટિજન ટેસ્ટ. તસવીર: સમીર માર્કન્ડે

છેલ્લા ૧૨ દિવસ (૨૯ જુલાઈથી ૯ ઑગસ્ટ)માં એમએમઆરમાં ઍક્ટિવ કેસની સંખ્યામાં વધુ ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. હવે ઍક્ટિવ કેસની સંખ્યા આશરે ૨૮,૦૦૦ની આસપાસ છે અને રિકવરી રેટ અગાઉ ૬૦ ટકા હતો એ વધીને ૭૪ ટકા થયો છે. સરેરાશ ૧૬૫૦ નવા કેસ નોંધાયા છે અને સમાન ગાળામાં રોજ ૫૭ મોત નીપજ્યાં હતાં. અધિકારીઓના દાવા પ્રમાણે ડોર ટુ ડોર સર્વે અને ક્વૉરન્ટીનની વધારવામાં આવેલી સુવિધાઓ મહામારીના વ્યાપને ડામવામાં મદદરૂપ થયાં હતાં.

મુંબઈમાં કેસની સંખ્યા ઘટવાનું શરૂ થયા બાદ પહેલી જૂને પ્રથમ અનલૉક શરૂ થયું હતું, પરિણામે એમએમઆર પ્રદેશમાં કેસની સંખ્યા વધી હતી. એમએમઆરમાં થાણે જિલ્લો, થાણે શહેર, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ, ઉલ્હાસનગર, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાઈંદર, પાલઘર અને વસઈ-વિરારનો સમાવેશ છે. રોજના નવા કેસની સંખ્યા જુલાઈમાં ૨૦૦૦ના આંકડાને પાર કરી ગઈ હતી અને જુલાઈના મધ્ય ભાગમાં ઍક્ટિવ કેસની સંખ્યા ૪૫,૦૦૦ પર પહોંચી હતી, પરંતુ ત્યાર બાદ કલ્યાણ-ડોમ્બિવલી અને ભિવંડીને બાદ કરતાં બાકીનાં શહેરોમાં ઍક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટવા માંડી હતી. ૨૯ જુલાઈએ ઍક્ટિવ કેસની સંખ્યા આશરે ૩૮,૦૦૦ હતી.

હવે ઍક્ટિવ કેસની સંખ્યામાં વધુ ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૯ જુલાઈએ ૩૮,૫૬૮ ઍક્ટિવ કેસ હતા, એની સામે ૮ ઑગસ્ટે ઍક્ટિવ કેસની સંખ્યા ૨૮,૭૬૮ થઈ હતી.

mumbai mumbai news coronavirus covid19 lockdown prajakta kasale thane