કોવિડ-19: રાજ્યના 21000 પોલીસ કોરોના-સંક્રમિત

21 September, 2020 10:37 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોવિડ-19: રાજ્યના 21000 પોલીસ કોરોના-સંક્રમિત

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૨૧,૦૦૦ જેટલા પોલીસ કોરોનાની ચપેટમાં આવી ગયા છે, જે કુલ પોલીસના ૧૦ ટકા જેટલા થાય છે. માર્ચ મહિનાથી ઑગસ્ટ સુધી થોડા થોડા પોલીસ કોરોના વાઇરસથી સંક્રમિત થતા હતા, પરંતુ ચાલુ મહિનામાં ૫૩૫૭ જેટલા પોલીસને આ વાઇરસનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. લૉકડાઉનમાં છૂટછાટ અપાયા બાદથી મોટી સંખ્યામાં લોકો ઘરોની બહાર નીકળ્યા બાદ ગુનેગારીમાં વધારો થવાથી પોલીસ લોકોના સંપર્કમાં આવવાથી તેઓ સંક્રમિત થવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર પોલીસ વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ ૨૩ માર્ચથી અત્યાર સુધી રાજ્યમાં ૨૧,૦૦૦ પોલીસ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. એમાં પણ સપ્ટેમ્બર એટલે કે ચાલુ મહિનામાં અત્યાર સુધી સૌથી વધુ ૫૩૬૭ પોલીસ વાઇરસની ચપેટમાં આવ્યા છે, જે છેલ્લા છ મહિનાની સરેરાશ કરતાં વધારે છે. પોલીસ ફ્રન્ટલાઇનમાં કામ કરતા હોવાથી તેઓ લોકોના સીધા સંપર્કમાં આવવાની સાથે લૉકડાઉન બાદ મજૂરોને મોકલવા માટેની કરાયેલી વ્યવસ્થામાં ડ્યુટી પર હતા ત્યારે તેમને સૌથી વધારે સંસર્ગ થયો છે.

રાજ્યના વાઇરસથી સંક્રમિત થનારા સૌથી વધારે પોલીસ મુંબઈના હતા. અત્યારે મુંબઈની સાથે થાણે, નવી મુંબઈ સહિત રાજ્યના બીજા ભાગોમાં ફરજ નિભાવી રહેલા પોલીસ પણ મોટી સંખ્યામાં વાઇરસથી સંક્રમિત થયા છે. મુંબઈ જેવા મોટા શહેરમાં કોરોનાથી સંક્રમિત થયેલા પોલીસની સારવાર માટે પોલીસ વિભાગ દ્વારા જુદા સ્વાસ્થ્ય કેન્દ્ર, ઍમ્બ્યુલન્સ રખાઈ છે. પ્રાઇવેટ હૉસ્પિટલોમાં પોલીસ માટે બૅડ રિઝર્વ રખાયા છે. જુલાઈ સુધી સ્થિતિ નિયંત્રણમાં હતી, પરંતુ લૉકડાઉનમાં છૂટછાટ આપવાના ચોથા તબક્કા બાદ ફરી કેસ વધવા લાગ્યા હોવાથી મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર, ઍડિશનલ કમિશનર, ડીસીપી અને અનેક પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરો કોરોનાથી સંક્રમિત થયા હતા.

પોલીસ વિભાગે વધુમાં માહિતી આપી હતી કે લૉકડાઉનમાં છૂટછાટ અપાયા બાદથી જનજીવન સામાન્ય થઈ રહ્યું છે ત્યારે વધુ લોકો પોલીસના ડાયરેક્ટ સંપર્કમાં આવી રહ્યા છે. ગુનેગારીમાં વધારો થવાથી નાકાબંધી, ધરપકડ, તપાસ, આરોપીને કોર્ટમાં હાજર કરવા વગેરે કામ વધી ગયા હોવાથી આ સ્થિતિ ઊભી થઈ છે.

mumbai mumbai police coronavirus covid19 lockdown mumbai news