રિપોર્ટમા ગોટાળો, મુલુંડના યુવાનને ચાર દિવસ સુધી કોરોના સેન્ટરમાં રખાયો

16 September, 2020 04:27 PM IST  |  Mumbai | Mumbai Correspondent

રિપોર્ટમા ગોટાળો, મુલુંડના યુવાનને ચાર દિવસ સુધી કોરોના સેન્ટરમાં રખાયો

જરૂર ન હોવા છતાં સારવાર લેનાર સંજય સાવંત

મુલુંડમાં એક અજીબ કેસ સામે આવ્યો છે, જેમાં એક યુવાનને કોરોના ન હોવા છતાં તેને કોરોના ટ્રીટમેન્ટ માટે કોરોના સેન્ટરમાં પાલિકાએ રાખ્યો હતો. બે દિવસ બાદ તેણે બહાર કરેલી ટેસ્ટનો રિપોર્ટ આવતાં સમજાયું હતું કે તેને કોરોના છે જ નહીં. પાલિકાના ડૉક્ટરનું કહેવું છે કે તેની ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવી હતી, જે‍માં તે પૉઝિટિવ આવ્યો હતો.

મુલુંડ-વેસ્ટમાં રહેતા સંજય સાવંત સાથે એક અજીબ ઘટના ઘટી હતી, જેમાં તે શુક્રવારે તબિયત ખરાબ થતાં ફૅમિલી ડૉક્ટર પાસે ઇલાજ માટે ગયો હતો. ડૉક્ટરે તેને પીકે રોડ પર આવેલી સાતબંગલા શાળામાં પાલિકાના સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરવાનું કહ્યું હતું. ત્યાં જતાં તેને સ્વેબ ટેસ્ટ માટે કહ્યું હતું, પણ પાલિકાના અધિકારીએ તેની ઍન્ટિજન ટેસ્ટ કરી હતી, જેમાં તે કોરોના પૉઝિટિવ આવ્યો હતો. તેણે પ્રાઇવેટ લૅબમાં કોરોનાની સ્વેબ ટેસ્ટ પણ કરાવી હતી. પાલિકાના અધિકારીએ તરત તેને કોવિડ સેન્ટરમાં ઇલાજ માટે મોકલ્યો હતો, જ્યાં કોરોના થયેલા લોકોની વચ્ચે તેને રાખવામાં આવ્યો હતો. તેણે કરેલી પ્રાઇવેટ ટેસ્ટની લૅબમાંથી મંગળવારે ફોન આવ્યો હતો કે તેને કોરોના નેગેટિવ છે. આ સાંભળી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ સંબંધી સંજય સાવંત સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘પાલિકા લોકોના જીવન સાથે રમી રહી છે. મને કોરોના ન હોવા છતાં કોરોના થયેલા લોકોની વચ્ચે રાખ્યો હતો. આ બાબતે મેં પાલિકાના મોટા અધિકારીઓને ફરિયાદ કરી છે.’

પાલિકાના મુલુંડ વિભાગના મુખ્ય ડૉક્ટર પ્રદીપ આંગ્રે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘અમે તેને ઍન્ટિજન ટેસ્ટના આધારે દાખલ કર્યો હતો. આ બાબતે અમે ઇન્ટર્નલ તપાસ હાથ ધરી છે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation