નવી મુંબઈમાં 24 કલાક ઍન્ટિજન ટેસ્ટ કરાશે

29 September, 2020 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈમાં 24 કલાક ઍન્ટિજન ટેસ્ટ કરાશે

ફાઈલ તસવીર

નવી મુંબઈમાં કોરોનાના કેસ વધતા હોવાથી નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને હવે કેટલાંક ઍન્ટિજન ટેસ્ટ સેન્ટર ૨૪ કલાક ખુલ્લાં રાખવાનો નિર્ણય લીધો છે જેથી કોઈ પણ સમયે કોઈને પણ એવું લાગે કે તેમને કોરોનાનાં લક્ષણો જણાય છે તો તેઓ તરત જ એ ઍન્ટિજન ટેસ્ટ કરાવી એની ખાતરી કરી શકે અને એનો ઇલાજ કરાવી શકે.

નવી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું કે ‘નવી મુંબઈમાં ખાસ કરીને એપીએમસી વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એપીએમસીની પાંચ માર્કેટ મળીને રોજના ૬,૦૦,૦૦૦ લોકોની અવરજવર રહેતી હોવાથી ત્યાં ભારે ગિરદી થાય છે. અમે લોકોને વાંરવાર કહ્યું છે કે માસ્ક પહેરો અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવો, પણ લોકો એને ફૉલો ન કરી રહ્યા હોવાથી કેસમાં વધારો થઈ રહ્યો છે. એથી અમે ત્યાં ૨૪ કલાક કેટલાક ઍન્ટિજન ટેસ્ટ સેન્ટર ૨૪ કલાક ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે જેથી લોકો એનો લાભ લઈ શકે.’

એપીએમસીની માર્કેટોમાં સતત લોકોની અવરજવર રહેતી હોય છે. દાણા બજાર સહિત શાકભાજી માર્કેટ, કાંદા બટાટા અને ફ્રૂટ માર્કેટમાં પણ દિવસના સમયે લોકલ ટ્રાન્સપોર્ટરો તેમનો માલ લેવા આવતા હોય છે. જ્યારે રાત્રે દાણા બજારની ગાડીઓઓ આવતી હોય છે અને મધરાત બાદ તાજી શાકભાજી અને ફ્રૂટની આવક શરૂ થઈ જાય છે. એથી આમ જોવા જઈએ તો ૨૪ કલાક એપીએમસીનો વિસ્તાર ધમધમતો રહે છે. વળી આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી કોને કોરોના છે અને કોને નથી એ કહેવું બહુ જ મશ્કેલ હોય છે. એટલે લોકોએ જ પોતપોતાની કાળજી રાખવી જરૂરી છે એમ અભિજિત બાંગરે વધુમાં કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે લૉકડાઉનમાં એપીએમસીમાં જીવનજરૂરી વસ્તુઓ પૂરી પાડવા માટે વેપારીઓેએ કામકાજ ચાલુ રાખ્યું હોવાથી તમામ તકેદારી રાખ્યા બાદ પણ અનેક વેપારી કે તેમના કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ થયું હતું.

mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporation lockdown