ગુડ ન્યુઝ: મીરા-ભાઈંદરમાં એક જ દિવસે 56 પેશન્ટ ડિસ્ચાર્જ કરાયા

03 May, 2020 10:36 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ગુડ ન્યુઝ: મીરા-ભાઈંદરમાં એક જ દિવસે 56 પેશન્ટ ડિસ્ચાર્જ કરાયા

ભાઈંદરની ટેમ્બા હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને જઈ રહેલા ૫૭ દરદીઓને તાળીઓથી વધાવી રહેલા પાલિકા કમિશનર ચંદ્રકાંત ડાંગે.

મીરા-ભાઈંદરમાં કોરોનાના દરદીઓની સંખ્યા ૧૬૨ થઈ જતાં ચિંતાનું વાતાવરણ છે ત્યારે અહીંના રહેવાસીઓ માટે ગઈ કાલે સુખદ સમાચાર આવ્યા હતા. વિવિધ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૧૩માંથી કોરોનાના ૫૭ પેશન્ટ એકદમ સ્વસ્થ થઈ જતાં તેમને એકસાથે ભાઈંદરની ટેમ્બા હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો હતો. પાલિકાના કમિશનરે ૧૫ મે સુધી આખા વિસ્તારને કોરોનામુક્ત કરવાનો આ સમયે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મીરા-ભાઈંદરમાં શરૂઆતના તબક્કામાં એકલદોકલ અને વચ્ચેના સમયમાં દરરોજ પાંચથી ૧૪ કોરોના પૉઝિટિવના કેસ નોંધાવા લાગ્યા હતા. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ચંદ્રકાંત ડાંગેએ સ્થાનિક વિધાનસભ્ય ગીતા જૈન, ભક્તિવેદાંત હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. અજય શંખે સાથે ભાઈંદરની પંડિત ભીમસેન જોષી (ટેમ્બા) હૉસ્પિટલને કોરોનાના દરદીઓ માટે સજ્જ કરવાની વાત કરી હતી. બાદમાં ટેમ્બા હૉસ્પિટલને માત્ર કોરોનાના દરદીઓ માટે તૈયાર કરાઈ હતી અને કોરોનાના શંકાસ્પદ દરદીઓને રાખવા માટે ગોલ્ડન નેસ્ટમાં ક્વૉરન્ટીન સેલ ઊભો કરાયો હતો.
એટલું જ નહીં કેસને વધતા રોકવા માટે ૨૦થી ૨૪ એપ્રિલ મીરા-ભાઈંદરમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરાયું હતું, જે બાદમાં ૨૮ એપ્રિલ અને પછી ૩ મે સુધી લંબાવાયું હતું. આનાથી કોરોનાના સંક્રમણની ચેન તૂટી હતી અને ત્રણ-ચાર દરદીઓ વધવાની સાથે જેઓ સારવાર હેઠળ હતા તેઓ સાજા પણ થવા લાગ્યા હતા. ૧ મે સુધી અહીં નોંધાયેલા કુલ ૧૬૧ કોરોનાના દરદીમાંથી ૨૫ લોકો ઠીક થયા હતા, જ્યારે ગઈ કાલે એકસાથે ૫૭ પેશન્ટ ઘરે ગયા હતા. આથી ત્રણ દરદીના મૃત્યુને બાદ કરતાં મીરા-ભાઈંદરમાં અત્યારે કોરોનાના ૫૭ પેશન્ટ સારવાર હેઠળ છે.

ટેમ્બા હૉસ્પિટલમાં દરદીઓને ડિસ્ચાર્જ અપાયો હતો ત્યારે ડૉક્ટર, નર્સ, પાલિકાના કર્મચારીઓએ તાળીઓ વગાડીને તેમનો જુસ્સો વધાર્યો હતો. સાજા થયેલા એક ગુજરાતીએ કહ્યું હતું કે ‘ટેમ્બા હૉસ્પિટલના ડૉક્ટરો, નર્સ, પાલિકાના કર્મચારીઓ, પોલીસ વગેરેની મહેનતથી આજે અમે સાજા થયા છીએ. આ ખૂબ જ ગંભીર વાઇરસ છે એટલે લોકોએ જરૂરી કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ.’

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ચંદ્રકાંત ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ખુશી છે કે એકસાથે કોરોનાના ૫૭ દરદીઓ એકદમ ઠીક થઈને ઘરે ગયા છે. ડૉક્ટર, નર્સ, પોલીસ અને સ્થાનિક રહેવાસીઓના સહયોગ વિના આ શક્ય નહોતું. આવી જ રીતે લોકો સહયોગ આપશે તો ૧૫ મે સુધી મીરા-ભાઈંદર કોરોનામુક્ત થઈ જશે એવો મને વિશ્વાસ છે.’

ઉલ્લેખનીય છે કે સત્તાધારી બીજેપીના કેટલાક નગરસેવકો પાલિકા પ્રશાસનને અસહકાર કરી રહ્યા હોવા છતાં પ્રશાસનના કામથી લોકો ખુશ છે. રાજકારણ રમી રહેલા આવા લોકપ્રતિનિધિઓ સામે લોકોમાં ભારે રોષ હોવાનું જાણવા મળ્યું છે.

mira road bhayander mumbai mumbai news coronavirus covid19