મુંબઈ : કોરોના વાઈરસથી બચવા માટે BMC કમિશનર ઇકબાલસિંહ ચહલના 4 મંત્ર

26 June, 2020 07:11 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મુંબઈ : કોરોના વાઈરસથી બચવા માટે BMC કમિશનર ઇકબાલસિંહ ચહલના 4 મંત્ર

ધારાવીમાં કોરોના ટેસ્ટ કરતા ડૉક્ટર

મુંબઈમાં લગભગ એક મહિના પહેલાં એટલે કે ૨૪ મેએ એક દિવસના સૌથી વધુ એટલે કે ૧૭૨૫ કેસ નોંધાયા અને ૨૪ જૂને ૮૪૬ કોરોના-કેસ નોંધાયા. હજી ગઈ કાલે ૧,૩૬૫ કેસ નોંધાયા. એ દરમ્યાન મુંબઈ અનલૉક પણ થયું તો કઈ વ્યૂહરચના સાથે બીએમસી લગામ તાણી શકી એવો સવાલ સહેજેય થાય. આ સવાલ મિડ-ડેએ કર્યો અને બીએમસીના કમિશનર ઇકબાલસિંહ ચહલે આના જવાબમાં કેસીસને નિયંત્રણમાં રાખવાનું શ્રેય ચાર મુદ્દાની વ્યૂહરચનાને આપ્યો.

બીએમસીના કમિશનર ઇકબાલસિંહ ચહલ

મુંબઈમાં કોરોનાનો વૃદ્ધિદર મે મહિના કરતાં જૂન મહિનામાં કન્ટ્રોલમાં રહેલો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતાજતા કેસ પર ધીમે-ધીમે નિયંત્રણ આવતું દેખાઈ રહ્યું છે. કોરોના વાઇરસ પર લગામ આવતાં અનેક જગ્યાએ કોરોના કૅર સેન્ટર પણ બંધ થઈ રહ્યાં છે. હવે લાગી રહ્યું છે કે મુંબઈ ધીમે-ધીમે સ્ટેબિલાઇઝ થઈ રહ્યું છે ત્યારે બીએમસીના કમિશનર ઇકબાલસિંહ ચહલે ‘મિડ-ડે’ સાથે વાતચીત કરીને આ મુજબ સ્ટ્રૅટેજી કહી સંભળાવી હતી.

૧. સૌથી પહેલાં ડર કાઢો વાઇરસનો

ઇકબાલસિંહ ચહલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મેં ૧૧ મેએ ‘ચિયર્સ ધ વાઇરસ પૉલિસી’ અનાઉન્સ કરી હતી જેમાં કહ્યું તું કે કે વાઇરસના ડરથી સ્ટાફના લોકો ઘરમાં બેસીને કામ નહીં કરી શકે, આપણે જોખમ ઉઠાવવું પડશે, વાઇરસ પાસે જવું પડશે અને કૅલ્ક્યુલેટેડ રિસ્ક આપણે લેવું પડશે. આ માટે મેં સાયન હૉસ્પિટલના ICU વૉર્ડમાં પ્રિકોશન લઈને ૪૦ મિનિટ વિતાવી હતી જેથી મહાનગરપાલિકામાં દોઢ લાખ જેટલા કર્મચારીઓ છે તેઓના મનમાંથી કોરોના વાઇરસનો ડર નીકળી જાય.

૨. 01:15 રેશિયો ફૉલો કર્યો

અમારી પાસે ૪૮,૦૦૦ બેડની વ્યવસ્થા છે ત્યારે જો કોઈ એક કોરોના-પૉઝિટિવ વ્યક્તિ આવે તો તેના પરિવારના કે તેના સંપર્કમાં આવેલા ૧૫ જણને ગવર્નમેન્ટ ક્વૉરન્ટીનમાંલઈને આવો જેથી તેમનો માહોલ અને એરિયા બદલાઈ જાય અને પછી તેમના ઘર કે પરિસરને સૅનિટાઇઝ કરીને સીલ કરી દો. ૧૦ દિવસ સુધી તેમના પર વૉચ રાખવામાં આવતી અને જો તેમનામાં લક્ષણ દેખાય તો ઉપચાર માટે હૉસ્પિટલમાં મોકલાવો અને સિમ્પ્ટમ્સ દેખાય નહીં તો તેમને ડિસ્ચાર્જ કરી દો. આ સાઇકલમાં ૩૦,૦૦૦ લોકો રોટેટ થાય છે. ગયા એક મહિનામાં અમે દોઢ લાખ લોકોને ક્વૉરન્ટીન કર્યા હતા. આમ કરવાથી કોરોનાની ચેઇન તૂટવામાં મદદ મળી હતી.

૩. કન્ટેઇનમેન્ટ ઝોનમાં લીડર બનાવ્યા, સર્વેલન્સને ત્રણ ગણું વધાર્યું

દરેક કન્ટેઇનમેન્ટ ઝોનમાં કમ્યુનિટી લીડરનું અનાઉન્સમેન્ટ કર્યું. કમ્યુનિટી લીડર એ જ હશે જે વર્ષોથી પોતાના પરિવાર સાથે સ્લમમાં રહેતો હોય, જેથી તેને એ વિસ્તારનું નૉલેજ હોય અને કમ્યુનિટી લીડરને દરેક વૉર્ડના વૉરરૂમથી કનૅક્ટ કરો અને દિવસમાં દર એક કલાકે ફોન કરો અને પૂછો કે તમારા વિસ્તારના બાથરૂમ એરિયાને સૅનિટાઇઝ કરાય છે કે નહીં?, બીએમસી દ્વારા સફાઈ કેવી થઈ રહી છે?, જે ડૉક્ટરોને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) કિટ આપી છે તેઓએ દવાખાનાં ખોલ્યાં છે કે નહીં?, ફૂડ-કિટ આવી રહી છે? અમે લોકોએ જે સર્વે કર્યો છે એ સિવાય એવા કોઈ વડીલ છે કે કોરોના-પૉઝિટિવ છે અને તેઓ છૂટી ગયા છે? એવી કોઈ માહિતી મળતાં અમે તરત ઍમ્બ્યુલન્સ બોલાવીને લઈ જઈએ અને કવૉરન્ટીન કરી દઈએ છીએ. કમ્યુનિટી લીડરનો એ ફાયદો થયો કે બીએમસીની ટીમ પર પણ સુપરવિઝન થઈ રહ્યું છે તેઓ પણ કામ કરે છે કે નહીં એની ખબર પડે છે.

૪. ધારાવી પર ફોકસ કરીને ત્યાં મેડિકલ સર્વેલન્સ વધાર્યું

ધારાવીમાં ભારતીય જન સંઘટના જેને બિલ ગેટ્સ ફાઉન્ડેશન સ્પૉન્સર કરે છે તેમની મદદથી ધારાવીમાં ૧૫૦ પ્રાઇવેટ ડૉક્ટરોને લઈ આવ્યા અને સાથે ૬૪ મોબાઇલ ડિસ્પેન્સર ઇન્સ્ટૉલ કર્યાં અને જે લોકોમાં લક્ષણો દેખાયાં તેમને તરત જ ઑટોરિક્ષામાં બેસાડીને હૉસ્પિટલમાં મૂકી દેતા હતા.

ફ્યુચર પ્લાન શું છે?

ફ્યુચર પ્લાન વિશે કહેતાં ઇકબાલસિંહ ચહલે ‘મિડ-ડે’ને કહ્યું કે બેડની સંખ્યા, ડૉક્ટરોની સંખ્યા, ઍમ્બ્યુલન્સની સંખ્યા અને ટેસ્ટિંગની સંખ્યા વધારીશુ. મુંબઈનો ડબલિંગ રેટ ૩૯ થઈ ગયો છે એ પણ એક રેકૉર્ડ છે. મિશન યુનિવર્સલ ટેસ્ટિંગમાં એક લાખ ઍન્ટિજેન ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ કરીશુ જેમાં અડધા કલાકથી પણ ઓછા સમયમાં વ્યક્તિ કોરોના-પૉઝિટિવ છે કે નહીં ખબર પડી જશે. જે પૉઝિટિવ હશે તે કોવિડ-બેડ પર જશે અને નેગેટિવ રિપોર્ટ આવશે તે ઘરે જશે. ઓછા સમયમાં કોરોનાની ખબર પડતી જશે અને ઝડપથી તેનો ઉપચાર પણ થશે એ આ ઍન્ટિજેન ટેસ્ટનો ફાયદો થશે.

brihanmumbai municipal corporation mumbai mumbai news coronavirus covid19 urvi shah-mestry lockdown