Ketaki Chitale: કોર્ટે કેતકીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી, જાણો વિગત

18 May, 2022 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બુધવારે, થાણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ચિતલેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી

ફાઇલ તસવીર

મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેની મુસીબતોનો અંત આવતો જણાતો નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર વિશે ફેસબુક પર વાંધાજનક પોસ્ટ કરવી તેમને મોંઘી પડી છે. તે પોલીસની પકડમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેની પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ કેતકીને હવે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. જણાવી દઈએ કે એનસીપી પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ શેર કર્યા બાદ થાણે પોલીસે ગયા શનિવારે તેમની ધરપકડ કરી હતી.

બુધવારે, થાણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ચિતલેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી, જેમણે કેતકીને મેજિસ્ટ્રેટની કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી દીધી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે તેઓએ અહીં નોંધાયેલા કેસની તપાસ પૂર્ણ કરી લીધી છે. પુણે સાયબર પોલીસે અભિનેત્રી વિરુદ્ધ કેસ પણ નોંધ્યો છે. રવિવારે, પુણે સાયબર પોલીસે જણાવ્યું હતું કે “તેઓ ચિતલેના રિમાન્ડની મુદત પૂરી થયા પછી થાણે પોલીસ પાસે અભિનેત્રીની કસ્ટડી માગશે. આ પહેલા અભિનેત્રી સામે મુંબઈ, અકોલા, ધુળેમાં પણ ઓનલાઈન પોસ્ટના સંબંધમાં કેસ નોંધાયા હતા.”

પોલીસે જણાવ્યું કે “આ પોલીસ સ્ટેશનોમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. આમાં 500 (બદનક્ષી), 501 (બદનક્ષી માટે જાણીતી બાબતનું છાપકામ), 505(2) (દ્વેષ ઉશ્કેરતા આવા કોઈપણ નિવેદન બનાવવું, પ્રકાશિત કરવું અથવા પ્રસારિત કરવું) અને 153A (લોકો વચ્ચે અસમાનતાને પ્રોત્સાહન આપવું) વગેરેનો સમાવેશ થાય છે.”

mumbai mumbai news