તમારી સામે શું કામ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની કાર્યવાહી ન કરવી?

21 June, 2022 10:31 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

આર્બિટ્રેશનના આદેશનું પાલન ન કરવા બદલ આવું કહીને કોર્ટે કાંદિવલીની સોસાયટીના સભ્યોએ બિલ્ડર સામે કરેલી ફરિયાદના કેસમાં બિલ્ડરની આગોતરા જામીનઅરજી ફગાવી

કાંદિવલીની સદ્ગુરુ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી

કાંદિવલી-વેસ્ટના સરોજીની નાયડુ રોડ પર આવેલી રીડેવલપમેન્ટ કરાયેલી સદ્ગુરુ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોએ તેમના બિલ્ડર સાંઈ તસવીર ડેવલપર્સના જયેશ તન્ના, હિના જયેશ તન્ના, કમલ ઠક્કર, રીટા ઠક્કર સામે તેમને ભાડું ન આપવા બદલ અને મકાનનું ઓસી ન લઈ આપવા બદલ તેમ જ ધમકાવવા બદલ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. એ કેસમાં ડેવલપર જયેશ તન્નાએ આગોતરા જામીનની અરજી કરી હતી જે ગઈ કાલે દિંડોશી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. એથી હવે ગમે ત્યારે તેની ધરપકડ થઈ શકે છે. એ સિવાય ડેવલપરે કોર્ટે નીમેલા આર્બિટ્રેટરે આદેશ આપ્યા છતાં ભાડાની ચુકવણી કરી નહોતી અને બાકી રહેલા સભ્યોનાં ઍગ્રીમેન્ટ બનાવી આપવાનો આદેશ આપ્યો હોવા છતાં એ ન કરતાં તેની સામે કોર્ટના અવમાનની નોટિસ પણ ઇશ્યુ કરાઈ છે. આજે બુધવારે હાઈ કોર્ટમાં એ સંદર્ભેની પણ સુનાવણી થવાની છે.

આ કેસમાં સોસાયટીના મેમ્બરો બિલ્ડરે ઓસી ન મેળવ્યું હોવા છતાં ઘરમાં રહેવા જતા રહ્યા છે. એટલું જ નહીં, સોસાયટીએ સાંઈ તસવીર ડેવલપર્સ સામે કોર્ટમાં કેસ કર્યો છે અને ડેવલપરે કોર્ટને પ્રૉમિસ કર્યા બાદ પણ મેમ્બરોને પેન્ડિંગ ભાડું, પર્મનન્ટ ઑલ્ટરનેટ ઍગ્રીમેન્ટ અને ઑક્યુપેશન સર્ટિફિકેટ જેવી સુવિધા હજી આપી ન હોવાથી તેમણે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની અરજી કરી હતી જેની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટના જસ્ટિસ ગિરીશ કુલકર્ણીએ કારણદર્શક નોટિસ ઇશ્યુ કરીને ડેવલપર સામે આર્બિટ્રેશનના આદેશનું પાલન ન કરવા બદલ શું કામ કન્ટેમ્પ્ટની કાર્યવાહી ન કરવામાં આવે એવું પૂછ્યું હતું. તેમણે આ કેસની આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી ડેવલપર અને તેના પાર્ટનર જયેશ તન્ના, હિના તન્ના અને રીટા ઠક્કરને મુંબઈ ન છોડવા પણ કહ્યું હતું. 

mumbai mumbai news kandivli bakulesh trivedi