સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલાં મહિલા આરોપીની ધરપકડ કરવી નહીં : હાઈ કોર્ટ

26 December, 2012 03:23 AM IST  | 

સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલાં મહિલા આરોપીની ધરપકડ કરવી નહીં : હાઈ કોર્ટ

જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ એસ. એસ. શિંદેની ખંડપીઠે પોલીસ-કમિશનર સત્યપાલ સિંહ સહિત રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને મુંબઈનાં તમામ પોલીસ-સ્ટેશનોમાં આ આદેશનો અમલ કરવા માટે તેમને બે અઠવાડિયાંની અંદર ઇન્સ્ટ્રક્શન આપી દેવાનું ફરમાવ્યું છે. ક્રિમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની કલમ ૪૬ (૪) અનુસાર મહિલાઓની સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલાં ધરપકડ કરવા પર પ્રતિબંધ છે. ફકત અપવાદરૂપ કેસોમાં તે પણ મહિલા પોલીસની હાજરીમાં જ મહિલા આરોપીની ધરપકડ કરી શકાય છે. ભારતી ખાંડાર નામની મહિલાની સામે અલાહાબાદની કોર્ટે નૉન-બેલેબલ વૉરન્ટ ઇશ્યુ કર્યા બાદ સાંજના સમયે માટુંગા પોલીસે ધરપકડ કરી હતી. તેની પિટિશન પરની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટે આ આદેશ આપ્યો હતો. ભારતીની ૨૦૦૭ની ૧૩ જૂને સાંજે અટક કરીને તેને ત્રણ કલાક પોલીસ-સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવી હતી અને ત્રણ કલાક બાદ તમામ પેપરો તૈયાર કરીને તેને છેક બીજા દિવસે બપોરે મૅજિસ્ટ્રેટ સામે લઈ જવામાં આવી હતી જ્યાં તે જામીન પર છૂટી ગઈ હતી. જામીન પર છૂટ્યાં બાદ તેણે પોલીસ-કમિશનરને લેટર લખીને  ફરિયાદ કરી હતી. જોકે કમિશનર તરફથી કોઈ જવાબ ન મળતાં તેણે હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેના પર સુનાવણી થયા બાદ હાઈ કોર્ટે સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલાં મહિલાની ધરપકડ કરવી નહીં એવો આદેશ આપવાની સાથે જ માટુંગા પોલીસના બે પોલીસ-અધિકારીઓની ત્રણ મહિનામાં તપાસ કરીને એક મહિનાની અંદર દોષી પોલીસ-અધિકારી સામે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.