મુંબઈ ત્યાં સુધી નહીં છોડતા

17 May, 2022 08:24 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મેમ્બરોને ભાડું ન ચૂકવનાર કાંદિવલીના બિલ્ડર પર કોર્ટની પાબંદી : સોસાયટીના સભ્યોએ કરેલી કન્ટેમ્પ્ટની ફરિયાદના આધારે હાઈ કોર્ટે કારણ દર્શક નોટિસ ઇશ્યુ કરીને ૧૪ જૂન સુધી તેમને શહેર ન છોડવા કહ્યું

સ્વ. કમલ ઠક્કર અને રીટા ઠક્કર

મુંબઈમાં રીડેવલપમેન્ટને લીધે બિલ્ડર અને ભાડૂતો તથા મેમ્બરો વચ્ચે અનેક બાબતોને લઈને મગજમારી થાય છે. ઘણા કેસમાં તો મેમ્બરો કે ભાડૂતોએ વર્ષોનાં વર્ષ પોતાના ઘરની બહાર રહેવું પડતું હોય છે. આવા જ એક કેસમાં કાંદિવલીની એક સોસાયટીના મેમ્બરો બિલ્ડરે ઓસી ન મેળવી હોવા છતાં ઘરમાં રહેવા જતા રહ્યા છે, એટલું જ નહીં, સોસાયટીએ સાંઈ તસવીર ડેવલપર્સ સામે કોર્ટમાં કેસ કર્યો છે અને નહીં જ છોડતા ડેવલપરે કોર્ટને પ્રૉમિસ કર્યા બાદ પણ મેમ્બરોને પેન્ડિંગ ભાડું, પર્મનેન્ટ ઑલ્ટરનેટ ઍગ્રીમેન્ટ અને ઑક્યુપેશન સર્ટિફિકેટ જેવી સુવિધા હજી આપી ન હોવાથી તેણે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની અરજી કરી હતી જેની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટના જસ્ટિસ ગિરીશ કુલકર્ણીએ કારણ દર્શક નોટિસ ઇશ્યુ કરીને ડેવલપર સામે આર્બિટ્રેશનના આદેશનું પાલન ન કરવા બદલ શું કામ કન્ટેમ્પ્ટની કાર્યવાહી ન કરવામાં આવે એવું પૂછ્યું છે. એટલું જ નહીં, તેમણે આ કેસની આગામી સુનાવણી ૧૪ જૂને ન થાય ત્યાં સુધી ડેવલપર અને તેના પાર્ટનર જયેશ તન્ના, હિના તન્ના અને રીટા ઠક્કરને મુંબઈ ન છોડવા પણ કહ્યું છે. 

બિલ્ડરના આવા વલણને કારણે હાડમારી ભોગવી રહેલા સોસાયટીના સભ્યોએ આ સંદર્ભે બોરીવલી કોર્ટમાં ફરિયાદ કરતાં બોરીવલી કોર્ટે કાંદિવલી પોલીસને આદેશ આપતાં હવે બિલ્ડર સાંઈ તસવીર ડેવલપર્સ સામે કાંદિવલી પોલીસે એફઆઇઆર નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવાઈની વાત એ છે કે સાંઈ તસવીર ડેવલપર્સમાં કમલ ઠક્કર પણ એક પાર્ટનર હતા, પણ થોડા સમય પહેલાં તેમનું મૃત્યુ થયું હોવા છતાં રવિવારે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. 

આ સંદર્ભે માહિતી આપતાં સોસાયટીના સભ્ય મેહુલ કટારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળમાં ૨૦૧૧માં અમે રીડેવલપમેન્ટ માટે ગયા હતા. બિલ્ડર દ્વારા અમને ૨૦૧૪માં પઝેશન મળવાનું હતું, પણ એ મળ્યું નહોતું. બિલ્ડરે લાંબા સમયથી અમને ભાડું પણ આપવાનું બંધ કર્યું હતું એથી અમે એની પણ માગણી કરી હતી, પણ પછી એવી સમજૂતી થઈ કે અમે થોડું ભાડું છોડીએ તો સામે તેઓ અમને ઑક્યુપેશન સર્ટિફિકેટ લાવી આપશે. બાકીનું ભાડું પણ આપશે અને અમારા બાકી રહી ગયેલા સભ્યોનાં ઍગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કરી આપશે. એટલે અમે એ માટે મંજૂરી દાખવી હતી. જોકે એ પછી પઝેશન તો મળ્યું, પણ બિલ્ડરે ઉપરોક્ત શરતોનું પાલન કર્યું નથી. અમારી માગણી એટલી જ છે કે તે એ શરતો પૂરી કરે. હવે કોર્ટે બિલ્ડરને ૧૪ જુન સુધીનો સમય આપ્યો છે. જો તે ત્યાં સુધી શરતોનું પાલન નહીં કરે તો પછી તેની ધરપકડ થઈ શકે છે.’ 

કાંદિવલી પોલીસમાં સોસાયટીનાં સભ્ય નલિની નવીન મહેતાએ કરેલી ફરિયાદમાં કહેવાયું છે કે જ્યારે બિલ્ડર તરફથી પઝેશન નહોતું અપાયું અને ભાડું આપવાનું પણ બંધ કરાયું ત્યારે સભ્યો એ માટે તેમને મળવા જતા હતા અને રજૂઆત કરતા હતા ત્યારે તેણે ઉશ્કેરાઈ જઈને કમરે લગાડેલી ગન અમારી સામે કાઢીને અમને રીતસરના ધમકાવતાં કહ્યું હતું કે જો હવે ફરી અહીં આવ્યા તો તમને બધાને ખતમ કરી દઈશ. 

ફરિયાદી નલિની મહેતાનું કહેવું છે કે ‘હાલમાં અમને પઝેશન તો મળ્યું છે, પણ બિલ્ડિંગને ઓસી નથી મળ્યું એટલે એક જ કલાક પાણી મળે છે, બિલ્ડિંગમાં ૭૪ ફ્લૅટ છે. એક કલાક પાણી મળતું હોવાથી અત્યારે ભારે હાડમારી વેઠવી પડે છે.’ 

કાંદિવલી પોલીસ સ્ટેશનનાં અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા દુથડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ કરી રહ્યાં છીએ. જ્યારે બિલ્ડર જયેશ તન્નાનો સંપર્ક કરવા માટે ફોન અને મેસેજ મોકલવા છતાં ‘મિડ-ડે’ને તેમના તરફથી કોઈ રિસ્પૉન્સ મળી શક્યો નહોતો.  

mumbai mumbai news kandivli bakulesh trivedi