ગ્રાન્ટ રોડના દંપતીની ઘડિયાળોની દાણચોરીની કેસમાં થઈ ધરપકડ

01 November, 2012 07:02 AM IST  | 

ગ્રાન્ટ રોડના દંપતીની ઘડિયાળોની દાણચોરીની કેસમાં થઈ ધરપકડ



મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર દુબઈથી બુરખામાં છુપાવીને લાવવામાં આવેલી ૧.૮૨ કરોડ રૂપિયાની ૧૩ હાઇ-એન્ડ હુબલોટ ઘડિયાળો સહિત કસ્ટમ વિભાગે ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રહેતી ૪૨ વર્ષની ફમિદા અને બાવન વર્ષના મોહમ્મદ યુસુફ કાલવાની શુક્રવારે વહેલી સવારે ત્રણ વાગ્યે ધરપકડ કરી હતી. જોકે આરોપીઓ પાસેથી ૪ કિલો કેસર પણ મળી આવ્યું હતું.

કસ્ટમ વિભાગના ઑફિસરે કહ્યું હતું કે ‘આરોપી ફમિદા તેના કમરમાં પાઉચમાં આ ઘડિયાળો છુપાવીને લઈ આવી હતી અને તેના પર તેણે બુરખો પહેર્યો હતો. અમને ટિપ મળી હતી કે એક દંપતી એમિરેટ્સ ફ્લાઇટથી મુંબઈમાં દાણચોરી કરેલી ઘડિયાળો લઈને આવી રહ્યાં છે. એથી અસિસ્ટન્ટ કસ્ટમ કમિશનર સમીર વાનખેડે તેમની ટીમ સાથે ઍરપોર્ટ પર પહોંચી ગયા હતા અને દંપતીની ધરપકડ કરી હતી.’

ઍરપોર્ટ પર લૅન્ડિંગ કર્યા બાદ આરોપી ફમિદાએ જોયું હતું કે કસ્ટમ ઑફિસરો ચેકિંગ કરી રહ્યા છે. એથી તરત ફમિદાએ હાથમાં રાખેલી બૅગ ત્યાં જ છોડી દીધી હતી અને ગ્રીન ચૅનલ એક્ઝિટથી તેના પતિ સાથે બહાર આવી હતી. આ બૅગમાં ૧૫ લાખ રૂપિયાની રોલેકસની ઘડિયાળો હતી. ગ્રીન ચૅનલ પાસે કસ્ટમ ઑફિસરોએ તેમને રોક્યાં હતાં અને તેમની પૂછપરછ કરી હતી. તપાસ કરતાં તેના કમર પાસેના પાઉચમાંથી ઘડિયાળો મળી આવી હતી. આરોપીઓએ આ ગુનો કબૂલ કર્યો હતો અને કહ્યું હતું કે આ ઘડિયાળોની હાઇ ડિમાન્ડ હોવાથી તેઓ દાણચોરી કરી તહેવારોમાં વેચવા માટે લઈ આવ્યા હતા.