અંધેરીના સ્વિમિંગ-પૂલના કૉન્ટ્રૅક્ટમાં થયો ભ્રષ્ટાચાર

30 December, 2011 08:59 AM IST  | 

અંધેરીના સ્વિમિંગ-પૂલના કૉન્ટ્રૅક્ટમાં થયો ભ્રષ્ટાચાર



સુધરાઈના અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં આવેલા સ્વિમિંગ-પૂલની જાળવણીનું કામ ટેન્ડર બહાર પાડ્યા વિના સાંઈ સ્વિમિંગ ઍકૅડેમી નામની કંપનીને સુધરાઈના અધિકારીઓ દ્વારા સાઠગાંઠ કરીને આપવામાં આવ્યું છે. આ કૉન્ટ્રૅક્ટમાં દુવ્ર્યવહાર અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરીને આ પ્રકરણે તત્કાળ તપાસ કરી દોષી અધિકારી તથા કંપનીના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગણી એમએનએસ (મહારાષ્ટ્ર નવનર્મિાણ સેના)ના નગરસેવક પ્રકાશ પાટણકરે સુધરાઈના કમિશનર સુબોધ કુમાર સમક્ષ કરી હતી.

પ્રકાશ પાટણકરે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સ્વિમિંગ ઍકૅડેમી નામની સંસ્થાને સ્વિમિંગ-પૂલનું જાણવણીનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ આ સંસ્થા દ્વારા સ્વિમિંગ-પૂલના બગડી ગયેલા યંત્રો રિપેર કરવામાં આવતા નથી. ફક્ત સુધરાઈ પાસેથી યંત્રો સ્વિમિંગ-પૂલ સ્વચ્છ કરવાના નામે પૈસા ખંખેરી લે છે, એવો આક્ષેપ તેમણે કર્યો હતો.’

અંધેરી સ્વિમિંગ-પૂલની જાળવણીનું કામ સાંઈ સ્વિમિંગ ઍકૅડેમીને આપવામાં આવ્યું હતું. કંપનીના પ્રોપ્રાઇટર ધનંજય ફડકે ઔરંગાબાદ નગરપાલિકામાં આવેલા સ્વિમિંગ-પૂલમાં ટ્રેઇનર તરીકે, જ્યારે તેનો ભાગીદાર રાજેન્દ્ર પાલકર અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના સ્વિમિંગ-પૂલમાં ટ્રેઇનર તરીકે કામ કરે છે. સુધરાઈની સેવા માટે કામ કરતી વ્યક્તિને ટેન્ડર બહાર પાડ્યા વિના કયા અધિકારીએ કૉન્ટ્રૅક્ટરનું કામ આપ્યું? જે કામ આપવામાં આવ્યું હતું એનો ઓડિટ રર્પિોટ તપાસવામાં આવ્યો હતો કે કેમ? કૉન્ટ્રૅક્ટરના કામ માટે કયા નિયમ કે શરતો રાખવામાં આવી? વગેરે માહિતી સુધરાઈના કમિશનર પાસે માગવામાં આવી હતી.

અંધેરીના સ્વિમિંગ-પૂલમાં પાણીના ગળતર માટેના મશીન પાછળ ૧૧ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં હજી એ કેમ કામ કરતું નથી? એવા પ્રશ્નો પાટણકરે કમિશનરને પત્ર દ્વારા કર્યા હતા.