એપીએમસીના વેપારી-માથાડી કામગારો આજથી કામે ચડવાની શક્યતા

26 March, 2020 01:48 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

એપીએમસીના વેપારી-માથાડી કામગારો આજથી કામે ચડવાની શક્યતા

એપીએમસી માર્કેટ

મુંબઈ, નવી મુંબઈ અને થાણે સહિતના વિસ્તારમાં અનાજ કરિયાણાની સપ્લાયની મુખ્ય ચેઈન એપીએમસી માર્કેટના વેપારીઓએ કોરાના વાઇરસના જોખમ સામે સરકારે સલામતીની ખાતરી આપતાં આજથી આ માર્કેટ સાથે સંકળાયેલી તમામ બજારમાં વેપારીઓ-માથાડી કામગારો કામે ચડવાની શક્યતા છે. વેપારીઓને માથાડી કામગારોના સ્વાસ્થ્ય બાબતે ગઈ કાલે નવી મુંબઈના મેયર, પાલિકા કમિશનર, કોંકણ વિભાગના કમિશનર, માથાડી કામગારના નેતા અને વેપારીઓ સાથેની બેઠકમાં સરકાર દ્વારા સ્વાસ્થ્યને લગતી તમામ સુવિધા આપવાની ખાતરી અપાયા બાદ આજે વેપારીઓ અને માથાડી કામદારો માર્કેટમાં અનાજ-કરિયાણા સહિતના જીવનજરૂરિયાતના સામાન સાથે ઊભેલી ટ્રકોમાંથી માલ ઉતારે એવી આશા છે.

કોરોના વાઇરસના વધી રહેલા જોખમ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લૉકડાઉન કરાયું છે, પરંતુ નવી મુંબઈમાં આવેલી એપીએમસી મારફત મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં અનાજ-કરિયાણા, મસાલા અને કાંદા-બટાટાની સપ્લાય થાય છે. અહીં કામ કરતાં ૧૦ હજારથી વધુ વેપારીઓ અને માથાડી કામગારોની સલામતી બાબતે કંઈ પગલાં ન લેવાયાં હોવાથી છેલ્લા ચારેક દિવસથી એક પછી એક બજાર બંધ થઈ રહી છે.
૨૧ દિવસ સુધી લૉકડાઉન જાહેર કરાયું હોવાથી ઘરમાં બેસી રહેલા લોકોએ ગભરાટમાં ખરીદી કરવાની શરૂઆત કરી છે, પરંતુ એની સામે દુકાનોમાં જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય એકદમ ઘટી ગઈ છે. આવી જ સ્થિતિ રહેશે તો આગામી બે-ત્રણ દિવસમાં મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં હાહાકાર મચવાની શક્યતા હતી. આથી વેપારીઓ અને માથાડી કામગારોને સલામતીની ખાતરી આપવા માટે ગઈ કાલે એક બેઠક મળી હતી.

આ બેઠક વિશે ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોંકણ વિભાગના કમિશનરે વેપારીઓ અને માથાડી કામગારો માટે કોરોના વાઇરસથી બચવા માટેની એપીએમસીમાં કઈ પ્રકારની વ્યવસ્થા કરાશે એનું ડેમોન્સ્ટ્રેશન કોંકણ વિભાગના કમિશનરે આપ્યું હતું, જેમાં ગેટ પર સેનિટાઇઝરથી લઈને થર્મલ ગનનો સમાવેશ થાય છે. વેપારીઓ ઘાટકોપરથી માંડીને ડોમ્બિવલી કે બીજા વિસ્તારમાં રહે છે અને ટ્રેનો બંધ છે ત્યારે એમના આવવા-જવા માટે નવી મુંબઈ મહાનગરપાલિકાની પરિવહન વિભાગની બસો ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન અમને અપાયું છે. ડેમો અને આશ્વાસનથી અમને લાગે છે કે વેપારીઓ અને માથાડી કામગારોને કોરોનાનો ખતરો નહીં રહે. આથી અમે સવારે માર્કેટમાં જઈને માલ ભરેલી ટ્રકોમાંથી માલ ઉતારીને સપ્લાય ચેન ચાલુ કરવાનું વિચારીશું.’

નવી મુંબઈના મેયર, કમિશનર અને કોંકણ વિભાગના કમિશનરે વેપારીઓ અને માથાડી કામગારોને સ્વાસ્થ્ય માટેની સુવિધાનું મૌખિક આશ્વાસન આપ્યું છે, લેખિતમાં કંઈ નથી અપાયું એટલે આજે તેઓ આ બાબતે સમજી વિચારીને કામ ચાલુ કરવું કે કેમ એનો નિર્ણય લેશે, એવું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news apmc market vashi prakash bambhrolia