મુંબઈમાં સતત બીજા દિવસે હજારની ઉપર કોરોના નવા કેસ

26 February, 2021 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં સતત બીજા દિવસે હજારની ઉપર કોરોના નવા કેસ

ડૉ. પ્રકાશ આમ્ટે કોરોનાગ્રસ્ત

મુંબઈમાં કોરોનાનું મેઇન એપિસેન્ટર બનેલા ધારાવીમાં કડક પગલાં લઈને એને લગભગ કોરોનામુક્ત કરી દેવાયું હતું અને એને રોલમૉડલ તરીકે ફૉલો કરાઈ રહ્યું હતું, પણ હવે એમાં ફરી એક વાર કેસ વધી રહ્યા  છે. ગઈ કાલે ત્યાંથી ૧૦ કોરોના પૉઝિટિવ કેસ મળી આવ્યા હતા, જ્યારે ઑલ ઓવર મુંબઈમાં ગઈ કાલે એક જ દિવસમાં નવા ૧૧૪૫ કોરોના પૉઝિટિવ કેસ નોંધાયા હતા. સામે સાજા થનાર દરદીઓની સંખ્યા ૪૬૩ હતી અને પાંચ દરદીનાં ગઈ કાલે કોરોનાને કારણે મૃત્યુ થયાં હતાં. 

અનલૉક બાદ લોકો માસ્ક પહેરવાના અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાના નિયમનું પાલન ન કરતા હોવાથી ધારાવીમાં કેસ વધી રહ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાના ‘જી નૉર્થ’ વૉર્ડના વૉર્ડ-ઑફિસર કિરણ દીઘાવકરે આ બાબતે કહ્યું હતું કે ‘આ વખતે મુખ્યત્વે બહુમાળી ઇમારતોમાંથી કોરોનાના કેસ આવી રહ્યા છે. એને અંકશુમાં લેવા ઑલરેડી પગલાં લેવાઈ રહ્યાં છે. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. એથી હજી આવનારા બે-ત્રણ દિવસમાં કેસમાં કેટલો વધારો થાય છે એ જોઈને ક્વૉરન્ટીન સેન્ટર વધારવાં કે નહીં એનો નિર્ણય લેવાશે.’

જાણીતા સમાજસેવક ડૉ. પ્રકાશ આમ્ટે કોરોનાગ્રસ્ત

જાણીતા સમાજસેવક ડૉ. પ્રકાશ આમ્ટેને કોરોના થયો હોવાનું જણાઈ આવ્યું છે. તેમને સારવાર માટે નાગપુરની હૉસ્પિટલમાં દાખલ કરાય એવી શક્યતા છે. ડૉ. પ્રકાશ આમ્ટેને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવતો હતો. તેમની આરટીપીસીઆર ટેસ્ટ કરાવાઈ હતી જે નેગેટિવ આવી હતી. એમ છતાં તાવ કન્ટ્રોલમાં નહોતો આવી રહ્યો. તેમની ફરી ટેસ્ટ કરાઈ અને એ ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. કેટલાક દિવસો પહેલાં જ તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘કોરોના ક્યારે ખતમ થશે એ કહી ન શકાય. માસ્ક આપણી જીવનશૈલીનો અવિભાજ્ય અંગ બની ગયો છે. લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનો શબ્દપ્રયોગ કરે છે જે ખોટું છે. એને બદલે ફિઝિકલ ડિસ્ટન્સિંગ શબ્દ વાપરવો જોઈએ જે દુર્ભાગ્યે કોઈ લોકો પાળતા નથી. આપણે એનું પાલન કરવું પડશે.’ 

coronavirus covid19 mumbai mumbai news