ચોમાસું માથે છે ત્યારે વેપારીઓને એ પહેલાં દુકાનના મેઇન્ટેનન્સની ચિંતા

28 May, 2020 07:27 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ચોમાસું માથે છે ત્યારે વેપારીઓને એ પહેલાં દુકાનના મેઇન્ટેનન્સની ચિંતા

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કારણે હાલમાં મુંબઈમાં રેડ ઝોન જાહેર કરાયો છે અને લૉકડાઉન છે ત્યારે વેપારીઓને મેઇન્ટેનન્સના અભાવે ચોમાસામાં તેમની દુકાનની શું હાલત થશે એ ચિંતા સતાવી રહી છે.

રાજ્ય સરકાર તરફથી વેપારીઓને ૨૨થી ૩૧ મે દરમિયાન દુકાનનું મેઇન્ટેનન્સ કે સાફસફાઈ કરવા કે પછી ચોમાસાની પૂર્વતૈયારી કરવા સમય અપાયો હતો, પણ બીએમસી દ્વારા વેપારીઓને એ માટે પરવાનગી ન અપાતાં વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આ બદલ ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ દ્વારા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી જાણ કરાઈ હતી અને વેપારીઓને આ માટે પરવાનગી અપાય એવી રજૂઆત કરાઈ હતી.

ગ્રાન્ટ રોડની ઇલેક્ટ્રૉનિક્સ માર્કેટમાં ઇલેક્ટ્રૉનિક્સ પાર્ટનો બિઝનેસ ધરાવતા મિતેશ મોદીએ આ વિશે કહ્યું હતું કે ‘તળ મુંબઈમાં આવેલી મોટા ભાગની માર્કેટો, દુકાનો વર્ષોજૂના પાઘડીના મકાનમાં આવેલી છે. અમારો લેમિન્ગ્ટન રોડનો વિસ્તાર નીચાણવાળા ભાગમાં છે. થોડો એવો વરસાદ પડે તો પણ ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા થાય છે. વળી દરેક દુકાનોના મીટર દાદરા નીચે નાની એવી જગ્યામાં આવેલા હોય છે જ્યાં ઉંદરોનો બહુ ત્રાસ હોય છે અને તેઓ અવારનવાર વાયરો કાપી જતા હોય છે. એસીના વાયરો પણ કાપી જતા હોય છે જેના કારણે ઘણી વખતે શૉર્ટ સર્કિટ થઈને આગ લાગતી હોય છે. એથી દુકાનોનું મેઇન્ટેનન્સ કરવું જરૂરી છે. જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાંના દુકાનદારો વરસાદ પહેલાં તેમના શો-કેસનાં નીચાનાં ખાનાં ખાલી કરી નાખે છે અને એ માલ બધો ઉપર તરફ ચડાવી દે છે.’

ગ્રાન્ટ રોડની ઇલેક્ટ્રૉનિક્સ માર્કેટ, સ્કૂટર પાર્ટ્સ માર્કેટ અને કમ્પ્યુટર માર્કેટના પ્રતિનિધિઓ આ માટે મુંબઈ મહાનગરપાલિકાના ‘ડી’ વૉર્ડના ઑફિસર પ્રકાશ ગાયકવાડને મળ્યા હતા ત્યારે પ્રકાશ ગાયકવાડે તેમને એમ કહ્યું કે ‘દરેક દુકાનદાર તેમની દુકાનમાં શું શું રિપેરિંગ કે મેઇન્ટેનન્સ કરવાનું છે એ અમને અરજી કરી જણાવે. આ પછી અમારા ઑફિસરો એ દુકાન પર જઈને ચેકિંગ કરશે ત્યાર બાદ જે જરૂરી જણાશે એ કામ કરવાની પરવાનગી અપાશે.’

અમારા અસોસિએશન્સે તેમને એવી રજૂઆત કરી હતી કે તમે અમને રિપેરિંગ મેઇન્ટેનન્સની પરવાનગી આપો, અમે જ એ કરીશું. એ સમય દરમિયાન એ દુકાનોમાં કોઈ પણ કમર્શિયલ ઍક્ટિવિટી (ખરીદી-વેચાણ) ન થાય એનું ધ્યાન રાખીશું, પણ સરકારી બાબુશાહી તેમની લીખાપટ્ટીમાં જ અટવાતી હોય છે. જૂનાં મકાનોમાં દુકાનો ધરાવતા વેપારીઓને ઇન્શ્યૉરન્સ પણ હોતો નથી. જો વરસાદમાં મેઇન્ટેનન્સના અભાવે લાખો રૂપિયાનું નુસાન થાય તો એ તો વેપારીએ જ ભોગવવાનું રહેશે, શું સરકાર એનું વળતર આપશે?

mumbai mumbai news coronavirus covid19 lockdown