લૉકડાઉન ભૂલેલા યુવકનો ગર્લફ્રેન્ડને પાછી લાવવા માટે 500 કિમીનો પ્રવાસ

07 May, 2020 08:54 AM IST  |  Mumbai | Anurag Kamble

લૉકડાઉન ભૂલેલા યુવકનો ગર્લફ્રેન્ડને પાછી લાવવા માટે 500 કિમીનો પ્રવાસ

શ્રમિક એક્સપ્રેસ

લૉકડાઉન દરમિયાન સિંધુદુર્ગમાં ફસાઈ ગયેલી પોતાની લિવ-ઇન પાર્ટનરનો વિયોગ સહન ન કરી શકનાર તુર્ભેનો યુવક પગપાળા સિંધુદુર્ગ જઈ પહોંચ્યો હતો અને પોતાની સાથે પોતાની પાર્ટનરને પાછી લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

જોકે પાછા ફરતી વખતે પોલીસે તેમને અટકાવ્યાં હતાં અને તુર્ભે જ્યાં આવે છે એ થાણે જિલ્લો રેડ ઝોન હોવાથી બન્નેને ક્વૉરન્ટીન કરાયાં હતાં. પ્રેમમાં પાગલ બનેલા યુવકના આ અવિચારી પગલાને કારણે તેના સંપર્કમાં આવેલા યુવતીના પરિવાર સહિતના અન્ય 34 લોકોને પણ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

24 વર્ષનો યુવક તુર્ભેનો રહેવાસી છે અને ડિલિવરી બૉય તરીકે કામ કરે છે. ખાનગી હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી તેની ૨૪ વર્ષની પાર્ટનર માર્ચ મહિનામાં સિંધુદુર્ગમાં આવેલા તેના વતન કાસલ ગામ ગઈ હતી. પરંતુ થોડા દિવસો બાદ મહારાષ્ટ્ર સરકારે આંતર-જિલ્લા પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવતાં તે ત્યાં ફસાઈ ગઈ હતી.

આ તરફ તેના વિરહમાં વિહવળ બનેલો યુવક ૨૭ એપ્રિલે તુર્ભેથી પગપાળા ૫૦૦ કિલોમીટરના અંતરે આવેલા સિંધુદુર્ગ જવા નીકળ્યો. માર્ગમાં તક મળે ત્યારે વાહનો પાસેથી લિફ્ટ મેળવતો અને બાકીનું અંતર ચાલીને કાપતો તે ત્રીજી મેએ કાસલ ગામ પહોંચ્યો. રાતે મંદિરે રોકાઈને ચોથી મેના તે તેની લિવ-ઇન પાર્ટનરના ઘરે પહોંચ્યો હતો એમ રત્નાગિરિ જિલ્લાના લાંજા પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર સંજય ચૌધરીએ જણાવ્યું હતું.

યુવકે યુવતીના પરિવારને સમજાવ્યું કે લૉકડાઉન હજી પણ યથાવત્ રહેશે આથી તે તેની મિત્રને તુર્ભે લઈ જવા માગે છે. યુવતીએ પણ પરિવારને કહ્યું કે તેને હૉસ્પિટલમાંથી નોકરી પર હાજર થવા માટે સતત ફોન આવે છે. આથી 4 મેની સવારે બન્નેએ નવી મુંબઈ તરફ પ્રયાણ કર્યું.
પગપાળા અને તક મળે ત્યારે લિફ્ટ લઈને બન્નેએ રત્નાગિરિ જિલ્લો તો પસાર કરી દીધો, પણ ત્યાર પછી નસીબે સાથ ન આપતાં કેટલાક સતર્ક સ્થાનિક લોકોએ પોલીસને આ દંપતી વિશે જાણ કરી. પાંચમી મેના બન્નેને શિવ ભોજન સેન્ટર ખાતે લંચ લેતાં જોઈને કેટલાક સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી દીધી.

એપીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘યુવકે કોઈ પણ પ્રકારના સંકોચ વિના મુસાફરી પાછળનું કારણ જણાવ્યું. યુવક રેડ ઝોન (થાણે જિલ્લા)માંથી આવેલો હોવાથી અમે બન્નેને ક્વૉરન્ટીન કર્યાં. તેમને ૧૪ દિવસ આઇસોલેશનમાં રાખવામાં આવશે અને પછી તેમને છોડી મૂકવાં કે સિંધુદુર્ગ મોકલી દેવાં એ વિશે નિર્ણય લેવાશે.’

લાંજા પોલીસે સિંધુદુર્ગ પોલીસને યુવાન અને કાસલ ગામના મંદિરમાં તેના રોકાણ વિશે જાણ કરતાં તેના સંપર્કમાં આવેલા 34 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે જેમાં યુવકની ગર્લફ્રેન્ડના પરિવારનો પણ સમાવેશ થાય છે.

mumbai mumbai news anurag kamble coronavirus covid19