મુંબઈ: દેશવાસીઓ, ઊંડો શ્વાસ લો

25 May, 2020 08:22 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: દેશવાસીઓ, ઊંડો શ્વાસ લો

ખાલી-ખાલી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનો નજારો. તસવીર : આશિષ રાજે

કોરોના લૉકડાઉનમાં રસ્તા પર વાહનોની સંખ્યામાં ઘટાડો ઉપરાંત કારખાનાં અને બાંધકામ પ્રવૃત્તિ બંધ હોવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટી રહ્યું છે અને પર્યાવરણ શુદ્ધ થઈ રહ્યું છે. બે મહિનાથી અનેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ પણ બંધ હોવાથી દેશના લોકો બે દાયકામાં સૌથી વધારે ચોખ્ખી હવા શ્વાસમાં લઈ રહ્યા છે. વિશ્વના સૌથી વધારે પ્રદૂષિત ૩૦ શહેરોમાંથી ૨૧ શહેરો ભારતમાં છે. લૉકડાઉનને કારણે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)માં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં મુંબઈ તથા અન્ય શહેરોમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સનું ઍવરેજ લેવલ ૬૦ની આસપાસ છે. સામાન્ય રીતે દિલ્હી જેવા શહેરમાં ઇન્ડેક્સ ૪૦૦ પર પહોંચતો હોવાથી પ્રદૂષણની સ્થિતિ ઘણી ખતરનાક ગણાતી હતી.

લૉકડાઉનના ૬૦મા દિવસે ૨૩ મેએ Jhatkaa.org એ બહાર પાડેલા વિડિયોમાં એ જ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એ વિડિયો દ્વારા આગામી પાંચ જૂને વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે નાગરિકોને પર્યાવરણલક્ષી રાષ્ટ્રવ્યાપી ચળવળમાં સામેલ થવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. એ દિવસે દરેક શહેરના નાગરિકોને ‘સૌને માટે શુદ્ધ હવા’ની માગણી સાથે તેમના શહેરના ફોટોગ્રાફ્સ મોકલવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. Jhatkaa.org પ્લૅટફૉર્મ પર Clean Air Boss મૂવમેન્ટ શરૂ કરવાની પિટિશન પણ પોસ્ટ કરવામાં આવી છે. #SaalBhar60 નામે ડિજિટલ મૂવમેન્ટ વાયુ પ્રદૂષણ ઘટાડવાની ચળવળની ઇન્ચાર્જ રહેશે. નૅશનલ ક્લીન ઍર પ્રોગ્રામ અનુસાર વાયુની સ્વચ્છતા માટે નિર્ધારિત પ્રમાણથી વધારે વાયુ પ્રદૂષણ ધરાવતાં ભારતીય ૧૨૨ શહેરોમાંથી ૧૮ શહેરો મહારાષ્ટ્રમાં છે. એ શહેરોના લોકોને #SaalBhar60 એટલે કે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૬૦ના સ્તરે જાળવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown