મુલુંડના વૃદ્ધાશ્રમમાં 18 સિનિયર સિટિઝનનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ

20 May, 2020 07:05 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડના વૃદ્ધાશ્રમમાં 18 સિનિયર સિટિઝનનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

મુલુંડના એક વૃદ્ધાશ્રમમાં ૧૮ સિનિયર સિટિઝનને કોરોના પૉઝિટિવ આવતાં ત્યાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. આ તમામ મુલુંડ-વેસ્ટમાં આવેલા ગૌશાળા રોડ પરના વૃદ્ધાશ્રમમાં રહે છે. આ તમામ બહાર ન આવતાં આખો દિવસ વૃદ્ધાશ્રમની અંદર જ હોય છે. પાલિકાના અધિકારીઓ એ શોધી રહ્યા છે કે આ લોકો કેવી રીતે સંસર્ગમાં આવ્યા.

મુલુંડમાં કોરોના વાઇરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. હાલમાં મુલુંડમાં આ સંખ્યા ૪૨૦ની ઉપર પહોંચી છે. એ સાથે મુલુંડમાં સોમવારે વધુ ૩૬ કેસ સામે આવ્યા હતા અને ૧૧૫થી વધુ સાજા થયા હોવાથી તેમને રજા પણ આપવામાં આવી છે. ૮ લોકોનાં મૃત્યુ થયાં છે. મુલુંડના આ વૃદ્ધાશ્રમમાં ૧૮ લોકોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો જેમાં ૮ જણની ઉંમર ૯૦થી પણ વધુ છે અને બાકીના ૭૫થી વધુ ઉંમરના છે. મુલુંડ ‘ટી’ વૉર્ડના હેલ્થ અધિકારી મહેન્દ્ર શિગળાપુરકર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘આ તમામ લોકોને મુંબઈની અલગ-અલગ જગ્યા પર ઇલાજ માટે ખસેડવામાં આવ્યા છે. એ સાથે એની પણ શોધ ચાલુ છે કે આ લોકોને કેવી રીતે કોરોનાનો ચેપ લાગ્યો છે. આ તમામ વૃદ્ધાશ્રમની બહાર જતા નથી તો કઈ રીતે કોરોનાના સંપર્કમાં આવ્યા હશે એની તપાસ ચાલુ છે. હાલમાં આ તમામની હાલત સ્થિર છે.’

mumbai mumbai news mulund coronavirus covid19 lockdown mehul jethva