પ્રોટેક્શન કિટની સુવિધા બાદ શતાબ્દી હૉસ્પિટલના કર્મચારીઓ કામે ચડ્યા

05 April, 2020 09:33 AM IST  |  Mumbai | Mumbai Correspondent

પ્રોટેક્શન કિટની સુવિધા બાદ શતાબ્દી હૉસ્પિટલના કર્મચારીઓ કામે ચડ્યા

શતાબ્દી હૉસ્પિટલ

કાંદિવલીમાં આવેલી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત શતાબ્દી હૉસ્પિટલમાં કોરોનાના દરદીઓની સારવાર કરવા માટે પ્રોટેક્શન કિટ સહિતની સુવિધા ન હોવાથી અહીંના કર્મચારીઓએ ગઈ કાલે સવારે કામ બંધ કરી દીધું હતું. જોકે બાદમાં પ્રશાસને સલામતીનું આશ્વાસન આપવાની સાથે અહીંના ૪૦ કર્મચારીઓની કરાયેલી કોરોના ટેસ્ટ નેગટિવ આવતાં તેઓ કામે ચડ્યા હતા. અત્યાર સુધી ૪૦માંથી ૨૬ના રિપોર્ટ આવ્યા છે, જ્યારે ૧૪ના એકાદ દિવસમાં આવવાની શક્યતા છે.

ગુરુવારે એક દરદીને શતાબ્દી હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાયો હતો. જેની ૨૬થી ૨૮ માર્ચ સુધી સારવાર ચાલી હતી. બાદમાં ૩૧ માર્ચે તેને ડાયાલિસીસ કરવા માટે એક પ્રાઇવેટ સેન્ટર પર મોકલાયો હતો. બાદમાં દરદીમાં કોરોનાના લક્ષણ દેખાતાં તેની ટેસ્ટ કરાઈ હતી, જે પૉઝિટિવ આવી હતી. આ પેશન્ટની સારવાર જનરલ વૉર્ડમાં ચાલી રહી હોવાથી હૉસ્પિટલના સ્ટાફની સાથે અન્ય લોકોને પણ કોરોનાનું સંક્રમણ થવાની શક્યતાથી બધા ફફડી ઊઠ્યા હતા. હૉસ્પિટલે એક ડૉક્ટર સહિત ૪૦ કર્મચારીઓની કોરોના ટેસ્ટ કરવા માટે સેમ્પલ લીધા હતા.

હૉસ્પિટલના ૪૦માંથી ૨૬ સ્ટાફની કોરોના ટેસ્ટ નેગેટિવ આવી હતી, જ્યારે બાકીના ૧૪નો રિપોર્ટ એકાદ દિવસમાં આવવાની શક્યતા ડૉક્ટરોએ વ્યક્ત કરી હતી. જોકે શતાબ્દી હૉસ્પિટલમાં કોરોનાના દરદીઓની સારવાર કરવા માટે સ્ટાફને પ્રોટેક્શન કિટ સહિતની સુવિધા ન અપાઈ હોવાથી તેમણે શનિવારે સવારે કામ બંધ કરી દીધું હતું.

મુંબઈ મહાનગરપાલિકાના પ્રવક્તા વિજય ખબાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શતાબ્દી હૉસ્પિટલના સ્ટાફને કોરોનાના વાઇરસનું સંક્રમણ ન થાય અને તેઓ સલામતીથી કામ કરી શકે એ માટે અમે તેમને પ્રોટેક્શન કિટથી માંડીને બીજી બધી સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડી દેવાનું કહેવાથી તેઓ કામે ચડી ગયા છે અને અત્યારે બધું રાબેતા મુજબ ચાલી રહ્યું છે.’

shatabdi hospital mumbai mumbai news coronavirus covid19