દીકરાની વિનવણીને અવગણીને ડ્યુટી પર જતા પોલીસ જવાનનો વિડિયો વાઇરલ

27 March, 2020 11:13 AM IST  |  Mumbai | Agencies

દીકરાની વિનવણીને અવગણીને ડ્યુટી પર જતા પોલીસ જવાનનો વિડિયો વાઇરલ

પપ્પા બહાર કોરોનાનો રાક્ષસ છે એમ કહીને રડતો પોલીસ જવાનના પુત્રનો વિડિયો ગ્રૅબ

કોરોના વાઇરસના રોગચાળાને કારણે ઘરની બહાર નહીં નીકળવાની દીકરાની વિનવણીને અવગણીને પોલીસ જવાન ડ્યુટી પર નીકળતો બતાવતો વિડિયો વાઇરલ થયો છે. સોશ્યલ મીડિયા પર એ વિડિયો જોઈને લાખો લોકોનાં હૃદય વલોવાઈ જાય છે. વિડિયોમાં પોલીસ જવાન ડ્યુટી પર જવા માટે યુનિફૉર્મ પહેરતો હોય અને બે વર્ષનો છોકરો કોરોના રોગચાળાને કારણે રડતાં-રડતાં પિતાને ઘરમાંથી બહાર નહીં નીકળવા વિનવણી કરતો જોવા મળે છે. એ વખતે જવાન દીકરાને કહે છે કે મારા બૉસ મને ડ્યુટી પર બોલાવતા હોવાથી મારે જવું પડશે. રસ્તા પર લોકોના હરવાફરવા પર નિયંત્રણોના અમલ માટે પોલીસની સખતાઈના સમાચારો વચ્ચે આ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. સ્ટેટ પોલીસના ટ્વિટર હૅન્ડલ પર એ વિડિયોને ૧૩,૦૦૦ વ્યુઝ અને ૨૬૦૦ લાઇક્સ મળ્યા છે.

વાઇરસને દૂર રાખવા અને લૉકડાઉનના અમલમાં જનતાનો સહકાર મેળવવાના ઉદ્દેશથી લોકજાગૃતિ માટે મહારાષ્ટ્ર પોલીસે તેના ટ્વિટર હૅન્ડલ (@DGPMaharashtra) નો ઉપયોગ શરૂ કર્યો છે. એક ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે લાંબા અંતરના બધા સંબંધો મુશ્કેલ હોતા નથી. કેટલાક લાંબા અંતરના સંબંધો સુરક્ષિત હોય છે.

આવશ્યક સેવા માટે સ્પેશ્યલ પાસ

મુંબઈ પોલીસે આવશ્યક સેવાઓમાં સક્રિય કર્મચારીઓ-નાગરિકોને વિશિષ્ટ પાસ ઇશ્યુ કરવા માંડ્યા છે. એ માટે સંબંધિત આવશ્યક સેવાઓ અને એ પ્રકારની દુકાનોને પોલીસનો સંપર્ક કરવાનો અનુરોધ કર્યો છે. મુશ્કેલી વગર હરીફરી શકાય અને આવશ્યક વસ્તુઓનું વેચાણ કરી શકાય એ માટે એ પાસ મેળવવાનો અનુરોધ ટ્વિટર હૅન્ડલ @MumbaiPolice પર મુંબઈ પોલીસે જણાવ્યું હતું.

mumbai mumbai news mumbai police coronavirus covid19