મુંબઈમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ ઘટ્યા

24 February, 2021 09:16 AM IST  |  Mumbai

મુંબઈમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ ઘટ્યા

કોરોના ટેસ્ટિંગ

કોરોના‍-ઇન્ફેક્શનના કેસમાં વૃદ્ધિની ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થયેલી ચિંતામાં બે દિવસથી સહેજ રાહત જણાય છે. સતત બીજા દિવસે દરદીઓની સંખ્યામાં વધારો નિયંત્રિત જણાયો હતો. બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરાવવામાં સખતાઈ આચરવા સાથે ધારાવી તથા અન્ય વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગ શરૂ કર્યું છે. એકંદરે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના આરોગ્ય ખાતાના અધિકારીઓને કેસમાં વૃદ્ધિના આંકડા પર અંકુશ મૂકી શકાશે એવી આશા જાગી છે.

ગઈ કાલે મહારાષ્ટ્રમાં ૬૨૧૮ નવા કેસ નોંધાતાં અત્યાર સુધીનો કુલ આંકડો ૨૧.૧૨ લાખ પર પહોંચ્યો હતો. રાજ્યમાં ૨૪ કલાકમાં ૫૧ મૃત્યુ નોંધાતાં રોગચાળાનો કુલ મરણાંક ૫૧,૮૫૭ પર પહોંચ્યો છે. મુંબઈ શહેરમાં આઠેક દિવસથી રોજના નવા કેસમાં સતત વૃદ્ધિ થયા બાદ ગઈ કાલે ૨૪ કલાકના કેસની સંખ્યા ૬૪૩ નોંધાઈ હતી. મહાનગરપાલિકાના અધિકારીઓ માને છે કે હવે ફરી નવા દરદીઓની સંખ્યામાં ઘટાડો થતો રહેવાની આશા જાગે છે, પરંતુ બે દિવસની સ્થિતિ માટે કેટલાક જાણકારો ટેસ્ટિંગના ઓછા પરિણામને કારણભૂત ગણાવે છે.

ગઈ કાલે ૨૪ કલાકમાં નવા દરદીઓનો આંકડો થાણેમાં ૧૪૨, નવી મુંબઈમાં ૧૦૬ અને કલ્યાણ-ડોમ્બિવલીમાં ૧૦૭ નોંધાયો હતો. ગઈ કાલે રાજ્યમાં ૫૮૯૬ દરદીઓને ડિસ્ચાર્જ અપાતાં રિકવરી-રેટ ૯૪.૯૬ ટકા નોંધાયો હતો. રાજ્યમાં કોરોનાના દરદીઓનો મૃત્યુદર ઘટ્યો છે. હાલમાં રાજ્યનો મૃત્યુદર ૨.૪૫ ટકા છે. મુંબઈનો રિકવરી-રેટ ૯૪ ટકા અને ડબલિંગ રેટ ૩૦૫ દિવસ પર પહોંચ્યો હતો. છેલ્લા એકાદ અઠવાડિયામાં દરદીઓની સંખ્યા વધતાં મુંબઈનો કોરોના-કેસનો વૃદ્ધિદર હાલમાં ૦.૨૩ ટકાએ પહોંચ્યો છે. શહેરમાં ૩૧.૬૪ લાખ ટેસ્ટ કરવામાં આવી છે અને રોગચાળામાં કેસની કુલ સંખ્યા ૩.૨૦ લાખ પર પહોંચી છે. હાલમાં શહેરમાં ૭૫૩૬ કેસ છે.

mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporatio