સોસાયટીના સેક્રેટરી કે ચૅરમૅન જ શું કામ સ્ક્રીનિંગ કરે?

19 May, 2020 08:24 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

સોસાયટીના સેક્રેટરી કે ચૅરમૅન જ શું કામ સ્ક્રીનિંગ કરે?

સોસાયટીની પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે ત્યારે લોકોની સુરક્ષા માટે ૧૫ મેએ માઇનોરિટી ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલમેન્ટ પ્રધાન નવાબ માલિક સાથે બપોરે ૧ વાગ્યે ડેપ્યુટી કમિશનર ઝોન-પાંચના કાર્યાલયમાં એક મીટિંગ યોજાઈ હતી, જેમાં કોરોના વાઇરસ વધુ ન ફેલાય એ માટે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી, એના સંક્ષ્પ્તિ ભાગરૂપે વિચારણા ચાલી રહી છે કે વૉર્ડ-‘એલ’ અને ‘એમ’-ઈસ્ટને વેસ્ટ વિભાગ (કુર્લા, સાકીનાકા, તુંગા ગાંવ અને પવઈનો કેટલાક ભાગ)માં આવતી સોસાયટીઓના સેક્રેટરી કે ચૅરમૅન પોતાની સોસાયટીમાં દરેક સભ્યોનું બૉડી-ટેમ્પરેચર અને ઑક્સિજન-લેવલ ચેક કરે અને એક રજિસ્ટર બનાવે અને એને મેઇન્ટેન કરે જેથી કોઈ રહેવાસીનું ઑક્સિજન-લેવલ ઓછું આવે તો તરત બીએમસીનો સંપર્ક કરે જેથી તેની સમયસર સારવાર થઈ શકે. જોકે સોસાયટી પર આ જવાબદારી નાખવાનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશનના ચૅરમૅન રમેશ પ્રભુએ એક પત્ર પણ લખ્યો છે. તેમનું કહેવું છે કે સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરી મોટા ભાગે સિનિયર સિટિઝન હોય છે અને તેમના માથે આ જવાબદારી નાખવા ન જ જોઈએ.

આ બાબતે માઇનોરિટી ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રધાન નવાબ મલિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં કોરોના-સંક્રમણને કારણે અંદાજે ૨૫૦૦ જેટલાં બિલ્ડિંગ સીલ કરાયાં છે. બિલ્ડિંગમાં અંદર પણ પ્રૉબ્લમ છે એથી શરૂઆતમાં ‘એલ’ અને ‘એમ’ ઈસ્ટ–વેસ્ટમાં શરૂ કરીશું. સોસાયટી પોતાના ખર્ચે થર્મલ ગન અને ઑક્સિમીટરની ખરીદી કરે અને સભ્યોનું સ્ક્રીનિંગ કરે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હોમગાર્ડ, સ્થાનિક સ્વયંસેવકો મળીને ટીમ બનાવે અને ત્યાંની પાલિકા તરફથી મળતી થર્મલ ગન અને પલ્સ ઑક્સિમીટર લઈ આવે. એ ટીમ દરેક સભ્યોને બહાર બોલાવીને તેનું તાપમાન ચકાસશે. જો ઑક્સિજનનું પ્રમાણ ઓછું આવશે તો સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રૉસિજર પ્રમાણે કાર્યવાહી કરશે. એ ઉપરાંત ઝૂંપડપટ્ટી વિસ્તારના સાર્વજનિક શૌચાલયને વારંવાર સૅનિટાઇઝ કરાશે. જો લોકોનો સપોર્ટ મળશે તો આખું મૉનિટરિંગ સરળ બનશે અને કોરોના વાઇરસને ઝડપથી રોકી પણ શકાશે, કેમ કે અત્યારે કોઈને ખબર જ નથી કે કોને કોરોનાના સિમ્પટમ્સ છે. જો સોસાયટીના સભ્યોનું રેગ્યુલર સ્ક્રીનિંગ થશે તો ઝડપથી ખબર પડતી જશે અને એની સારવાર પણ સમયસર થઈ શકશે, જેથી કોરોનાના વાઇરસને ફેલાતો અટકાવી શકાશે.’

આ બાબતે મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશનના ચૅરમૅન રમેશ પ્રભુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી કે ચૅરમૅન પોતાની સોસાયટીના સભ્યોનું સ્ક્રીનિંગ કરે એ બાબતે અમને સ્ટ્રૉન્ગ ‍ઑબ્જેક્શન છે, કેમ કે અનેક સોસાયટીના સેક્રેટરી કે ચૅરમૅન તો સિનિયર સિટિઝન જ હોય છે, તેઓ પર શા માટે પ્રેશર નાખવું જોઈએ? જો તમે સ્લમ એરિયા માટે મેડિકલ ટીમ બનાવો છો તો સોસાયટીઓ માટે પણ વૉર્ડવાઇઝ મેડિકલ ટીમ બનાવો અને કામ કરો. સોસાયટી તેમને કો-ઑપરેટ કરશે.

ચેમ્બુરમાં આવેલી ત્રિશૂલ ગંગા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ખજાનચીએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમારી સોસાયટીના સેક્રેટરીએ તો રિઝાઇન કરી દીધું છે અને ચૅરમૅન સિનિયર સિટિઝન છે ત્યારે દરેક સભ્યોનું સ્ક્રીનિંગ કરવું ક્રિટિકલ છે. મહિનામાં એક વખત હોય તો ઠીક છે, પરંતુ દરરોજ સ્ક્રીનિંગ કરવું પૉસિબલ નથી. લોકો ઑફિસનું કામ ઘરેથી (વર્ક ફ્રૉમ હોમ) કરે છે ત્યારે કોની પાસે સમય છે? મારા મતે તો મેડિકલ ટીમનો એક માણસ જોઈએ, કેમ કે તેઓ વેલ-ટ્રેઇન હોય છે એાથી તેઓ સોસાયટીના દરેક સભ્યનું સ્ક્રીનિંગ કરે જેથી કોઈને તકલીફ ન પડે.’

હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી કે ચૅરમૅન પોતાની સોસાયટીના સભ્યોનું સ્ક્રીનિંગ કરે એ બાબતે અમને સ્ટ્રૉન્ગ ‍ઑબ્જેક્શન છે, કેમ કે અનેક સોસાયટીના સેક્રેટરી કે ચૅરમૅન તો સિનિયર સિટિઝન જ હોય છે, તેઓ પર શા માટે પ્રેશર નાખવું જોઈએ?

- રમેશ પ્રભુ, મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશનના ચૅરમૅન

બિલ્ડિંગમાં અંદર પણ પ્રૉબ્લમ છે એથી શરૂઆતમાં ‘એલ’ અને ‘એમ’ ઈસ્ટ–વેસ્ટમાં શરૂ કરીશું.સોસાયટી પોતાના ખર્ચે થર્મલ ગન અને ઑક્સિમીટરની ખરીદી કરે અને સભ્યોનું સ્ક્રીનિંગ કરે.

- નવાબ મલિક, મહારાષ્ટ્રના માઇનોરિટી ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રધાન

chembur urvi shah-mestry coronavirus covid19 lockdown mumbai news