મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસરના કેટલાક વિસ્તારોમાં ટોટલ શટડાઉન

21 June, 2020 08:46 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસરના કેટલાક વિસ્તારોમાં ટોટલ શટડાઉન

બીએમસીએ પોલીસની મદદથી જીવનજરૂરી વસ્તુઓ સિવાયની છૂટછાટ પાછી ખેંચી લીધી

વરલીના કોલીવાડાથી માંડીને ધારાવીના સ્લમ વિસ્તારોમાં ફેલાયેલા કોરોના વાઇરસે હવે ઉત્તર મુંબઈમાં આવેલા ગુજરાતીઓના ગઢ એવા મલાડ, કાંદિવલી, બોરીવલી તથા દહિસરને ભરડામાં લેવાનું શરૂ કર્યું છે. અહીં ઝડપથી કોરોનાના દરદીઓમાં વધારો થઈ રહ્યો હોવાથી આ વિસ્તાર મુંબઈનાં હૉટસ્પૉટ બન્યા છે. આથી પ્રશાસને ઉત્તર મુંબઈના આ વિસ્તારોને આંશિક રીતે શટડાઉન કરવાનો નિર્ણય લીધો છે. કન્ટેઇનમેન્ટ જાહેર કરાયેલા વિસ્તારોમાં ગઈ કાલથી જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈ મહાનગરપાલિકાના પ્રશાસકીય તથા પોલીસ અધિકારીઓ વચ્ચે બે દિવસથી કોરોના વાઇરસને બાકીના વિસ્તારોમાં ફેલાતો રોકવા માટે કન્ટેઇનમેન્ટ ઝોનમાં કાયદાનું કડક પાલન કરવા માટેની બેઠક મળી હતી. ત્યાર બાદ ઉત્તર મુંબઈના ચારેય વિસ્તારોમાં આંશિક રીતે શટડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. જે લોકો નિયમનો ભંગ કરશે તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે જૉઇન્ટ પોલીસ-કમિશનર વિનય ચૌબેએ આઇપીએસ અધિકારીઓ સાથે પરિસ્થિતિનું આકલન કર્યું હતું.

મલાડમાં કોરોનાના સૌથી વધુ ૩૩૭૮, કાંદિવલીમાં ૨૦૯૦, બોરીવલીમાં ૧૮૨૫ અને દહિસરમાં અત્યાર સુધી ૧૨૭૪ કેસ નોંધાયા છે. દહિસરમાં સૌથી ઝડપથી ૧૫ દિવસમાં, બોરીવલીમાં ૧૮ દિવસમાં, મલાડમાં ૧૯ દિવસમાં અને કાંદિવલીમાં ૨૫ દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. કાંદિવલીથી દહિસર સુધીના ૧૧૫ વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરાયા છે, જ્યારે ૯૦૮ બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યાં છે.

કાંદિવલીના પી-સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સંજય કુર્હાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીંના પોઇસર અને હનુમાનનગરમાં સૌથી વધારે કોરોનાના કેસ આવી રહ્યા હોવાથી અહીં તેમ જ આ વૉર્ડના કન્ટેઇનમેન્ટ ઝોનમાં જીવનજરૂરી વસ્તુઓ સિવાયની અપાયેલી છૂટ પાછી ખેંચવામાં આવી છે. નિયમનું કડક પાલન થાય એ માટે પોલીસે પૅટ્રોલિંગ પણ વધારી દીધું છે. અત્યાર સુધી અહીં ૨૦૯૦ કેસ નોંધાયા છે.’

બોરીવલીના ‘આર’ સેન્ટ્રલ વૉર્ડનાં અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ભાગ્યશ્રી કાપસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૉર્ડમાં અત્યાર સુધી ૧૮૨૫ કોરોનાના કેસ નોંધાયા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે અહીંના સ્લમ વિસ્તારો કરતાં હાઇરાઇઝ સોસાયટીઓમાંથી વધુ કેસ આવી રહ્યા છે. વધતાજતા કેસને ધ્યાનમાં રાખીને પોલીસ સાથેની બેઠકમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં અપાયેલી છૂટછાટ પાછી ખેંચી લઈને એમાં નિયમનું કડક પાલન કરાવવાની ચર્ચા થઈ હતી. અમે આ બાબતનો રિપોર્ટ પણ પોલીસને સોંપ્યો છે. એના આધારે કેટલાક વિસ્તારોમાં આંશિક રીતે શટડાઉન કરવામાં આવશે.’

દહિસરના ‘આર’ નૉર્થ વૉર્ડમાં આવતા ગણપત પાટીલ નગર, આઇસી કૉલોની, કેતકીપાડા, કાજુપાડા વગેરે વિસ્તારોમાંથી કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા હોવાથી અહીં પણ લૉકડાઉનમાં અપાયેલી છૂટછાટ પાછી ખેંચવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. લોકો જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળે એ માટે દહિસર અને એમએચબી પોલીસ સ્ટેશન દ્વારા સોસાયટીઓમાં સૂચના આપવામાં આવી છે.

ભાંડુપમાં ૭ દિવસ સંપૂર્ણ બંધ

ભાંડુપમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી અહીંના ‘એસ’ વૉર્ડ દ્વારા ૧૯ જૂનથી ૨૬ જૂન સુધી કરિયાણા, મેડિકલ અને દૂધની ડેરી સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ શુક્રવારે અપાયો હતો. ભાંડુપ, કાંજુરમાર્ગ અને કન્નમવારનગર પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા ભટ્ટીપાડા માર્ગ, ગાઢવનાકા, ટેંભીપાડા, પ્રતાપનગર રોડ, કાંજુર વિલેજ રોડ, અશોકનગર રોડ, હરિયાલી વિલેજ, ટાગોર નગર (ગ્રુપ નં. ૧થી ૭) અને કન્નમવારનગર-૧ અને બેને સંપૂર્ણપણે બંધ કરી દેવાયાં છે.

કાંદિવલીના પોઇસર અને હનુમાનનગરમાંથી સૌથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા હોવાથી અહીં તેમ જ આ વૉર્ડના કન્ટેઇનમેન્ટ ઝોનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની અપાયેલી છૂટ પાછી ખેંચવામાં આવી છે.

- સંજય કુર્હાડે, પી-સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર

‘આર’ સેન્ટ્રલ વૉર્ડમાં અત્યાર સુધી કોરોનાના ૧૮૨૫ કેસ નોંધાયા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે અહીંના સ્લમ વિસ્તારો કરતાં હાઇરાઇઝ સોસાયટીઓમાં વધુ કેસ સામે આવી રહ્યા છે.

- ભાગ્યશ્રી કાપસે, ‘આર’ સેન્ટ્રલ વૉર્ડનાં અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર

coronavirus covid19 lockdown mumbai mumbai news malad kandivli borivali dahisar prakash bambhrolia