મુલુંડના જૈન પરિવારને લોનાવલામાં હવાફેર ભારે પડ્યો

16 September, 2020 07:38 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુલુંડના જૈન પરિવારને લોનાવલામાં હવાફેર ભારે પડ્યો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં માર્ચ મહિનાથી શરૂ થયેલો કોરોનાનો કેર ખતમ થવાનું નામ નથી લેતો. ચાર-પાંચ મહિનાથી ઘરમાં બંધ લોકો કોરોનાથી બચવા માટે વતન કે બીજી કોઈ વ્યવસ્થા હોય તો ત્યાં હવાફેર કરવા જઈ રહ્યા છે. જોકે કોરોના બહારગામ ગયેલા લોકોને પણ ભરખી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. મુલુંડમાં રહેતા ગુજરાતી સ્થાનકવાસી જૈન પરિવારના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો પરિવાર ચાર મહિના ઘરમાં બંધ રહ્યા બાદ થોડો સમય લોનાવલામાં આવેલા બંગલામાં હવાફેર માટે ગયો હતો, પણ ત્યાં આ પરિવારના ત્રણ સભ્યોને કોરોનાનું સંક્રમણ થયું છે અને એમાંથી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું સોમવારે મોડી રાતે હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેમનાં ૯૩ વર્ષનાં માતા અને ભત્રીજો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

મૂળ રાજકોટના સ્થાનકવાસી જૈન અને વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તેમ જ શૅરબજારનું કામકાજ કરતા ૬૪ વર્ષના કમલેશ સંઘવી તેમના પરિવાર સાથે મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર બાલરાજેશ્વર મંદિરની સામેના એક ટાવરમાં રહેતા હતા. લૉકડાઉનમાં ચાર મહિના ઘરમાં બંધ રહ્યા બાદ તેઓ પોતાના અને નાના ભાઈના પરિવારજનો સાથે એક મહિના પહેલાં લોનાવલામાં આવેલા બંગલામાં હવાફેર કરવા ગયા હતા. થોડા દિવસ અહીં આરામ કર્યા બાદ કમલેશભાઈ, તેમનાં ૯૩ વર્ષનાં માતા કાંતાબહેન અને ભત્રીજા ચિંતનને કોરોનાનું સંક્રમણ થયું હતું. ત્રણેયની તબિયત બગડતાં તેમને ઘાટકોપરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. કમલેશ સંઘવીનું સોમવારે મોડી રાતે એક વાગ્યે અવસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

કમલેશ સંઘવીના મોટા ભાઈ દિનેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર મહિના ઘરમાં બંધ રહ્યા બાદ હવાફેર માટે કમલેશ અને નાના ભાઈના પરિવાર સાથે અમારાં બા કાંતાબહેન ગયાં હતાં. તેઓ અહીં એક મહિનો રોકાયં હતાં એ દરમ્યાન કમલેશ, કાંતાબા અને ભત્રીજા ચિંતનને કોરોનાનું સંક્રમણ થવાથી તેમને તાત્કાલિક મુંબઈ લાવીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન કમલેશનું અવસાન થયું છે, જ્યારે કાંતાબા અને ચિંતન સારવાર હેઠળ છે. પુણેમાં કોરોનાના કેસ વધવાથી તેમના સંપર્કમાં આવનારાઓમાંથી બધાને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હોવાની શક્યતા છે. કમલેશ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતો અને સાથોસાથ શૅરબજાર, કેમિકલ અને બાંધકામનો વ્યવસાય પણ કરતો હતો.’

૬ મહિનાથી હાહાકાર મચાવી રહેલો કોરોના કાબૂમાં નથી આવી રહ્યો. કમલેશની જેમ અસંખ્ય લોકો મહિનાઓ સુધી મુંબઈમાં ઘરની અંદર ગોંધાઈ રહ્યા બાદ જરા હવાફેર કરવા બહારગામ ગયા છે, ત્યાં પણ આ જીવલેણ વાઇરસ પહોંચી ગયો હોવાથી કોઈ જગ્યા સલામત નથી રહી. અમારા પરિવાર પર કોરોનાનું સંકટ આવ્યું છે, પણ આ વાઇરસ પોતાને ન અડે એ માટે બધાએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.
- દિનેશ સંઘવી, મૃતક કમલેશના મોટા ભાઈ

mumbai mumbai news prakash bambhrolia coronavirus covid19 lockdown lonavala lonavla