મુંબઈ: મીરા-ભાઇંદરમાં બહારથી આવેલા તમામ લોકોનું સ્ક્રીનિંગ ફરજિયાત

18 May, 2020 09:55 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: મીરા-ભાઇંદરમાં બહારથી આવેલા તમામ લોકોનું સ્ક્રીનિંગ ફરજિયાત

પ્રતીકાત્મક તસવીર

મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદરમાં કોરોનાના દરદીઓની સંખ્યા ૩૦૦થી વધી જતાં અહીં બહારથી આવનાર દરેક વ્યક્તિની મેડિકલ-તપાસ કરાવવાનો નિર્ણય મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ લીધો છે. કોઈ વ્યક્તિ બહારથી સોસાયટીમાં આવે તો સેક્રેટરી કે ચૅરમૅને એ વ્યક્તિને પોતાના વૉર્ડના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવાની જવાબદારી પાલિકાએ ઑર્ડર બહાર પાડીને નક્કી કરી છે. બહારથી આવેલી વ્યક્તિ મેડિકલ-ટેસ્ટ કર્યા વિના તેના ઘરમાં રહી નહીં શકે.

દેશભરમાં સૌથી વધારે કોરોનાના કેસ મુંબઈમાં છે ત્યારે આ શહેરને અડીને આવેલા મીરા-ભાઈંદરમાં કોરોનાના ૩૦૦થી વધારે કેસ નોંધાયા છે. લોકોની અવરજવર પરનાં નિયંત્રણો હળવાં કરાયાં ત્યારથી કોઈ કોરોના-સંક્રમિત વ્યક્તિને લીધે આખી સોસાયટી અને એરિયા જોખમમાં મુકાવાની ભીતિને લીધે પાલિકાએ આ બાબતનો આદેશ જારી કર્યો છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ચંદ્રકાન્ત ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીંની કોઈ પણ સોસાયટી કે કૉમ્પ્લેક્સમાં બહારથી કોઈ વ્યક્તિ આવશે તો તેમનું સ્ક્રીનિંગ ફરજિયાત બનાવાયું છે. સતત વધી રહેલા કોરોનાના કેસને કન્ટ્રોલમાં રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. સોસાયટીના સેક્રેટરી કે ચૅરમૅને આવનાર વ્યક્તિને પોતાના વૉર્ડમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ-તપાસ કરાવવાની જાણ કરવી પડશે. કોઈ વ્યક્તિ સ્ક્રીનિંગ કરવાની ના પાડે તો સોસાયટીની કમિટી પાલિકા કે પોલીસને જાણ કરી શકે છે.’

આ આરોગ્ય કેન્દ્રમાં કરાવી શકાશે સ્ક્રીનિંગ

મીરા-ભાઈંદરના તમામ ૬ વૉર્ડમાં આવેલા ઉત્તન આરોગ્ય કેન્દ્ર, વિનાયકનગર આરોગ્ય કેન્દ્ર, ભાઈંદર આરોગ્ય કેન્દ્ર, ગણેશ દેવલ નગર આરોગ્ય કેન્દ્ર, બંદરવાડી આરોગ્ય કેન્દ્ર, નવઘર આરોગ્ય કેન્દ્ર, મીરા રોડ આરોગ્ય કેન્દ્ર, આઇડિયલ પાર્ક આરોગ્ય કેન્દ્ર, પેણકરપાડા આરોગ્ય કેન્દ્ર, કાશી ગાંવ આરોગ્ય કેન્દ્ર અને ઇન્દિરા ગાંધી આરોગ્ય કેન્દ્રમાં દરરોજ સવારે ૯થી બપોરે ૪ વાગ્યા સુધી તથા ગોલ્ડન નેસ્ટમાં ઊભા કરાયેલા ક્વૉરન્ટીન-સેલમાં બપોરે ૪થી રાતે ૯ વાગ્યા દરમ્યાન બહારથી આવેલી વ્યક્તિનું સ્ક્રીનિંગ કરાવી શકાશે.

કોરોના વાઇરસનું પોલીસ વિભાગ પરનું સંકટ આગળ વધ્યું થાણેના એસીપી, મીરા રોડના બે પોલીસ ચપેટમાં આવ્યા

કોરોનાની લડતમાં ફ્રન્ટલાઇન પર કામ કરી રહેલા પોલીસને કોરોનાનું સંક્રમણ થવાના દરરોજ કેસ વધી રહ્યા છે. ગઈ કાલે મુંબઈના વધુ એક પોલીસનું મૃત્યુ થવા ઉપરાંત થાણે શહેર પોલીસના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર અને મીરા રોડના બે પોલીસને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

થાણે પોલીસના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (એસીપી)ની કોવિડ-૧૯ ટેસ્ટ પૉઝ‌િટ‌િવ આવ્યા બાદ તેઓ જ્યાં રહે છે એ વિસ્તારને સીલ કરવાની સાથે તેઓ જેમના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા છે તેમને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં ડ્યુટી બજાવતા બે પોલીસ-કર્મચારીની કોવિડ-૧૯ ટેસ્ટ પૉઝ‌િટ‌િવ આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. મીરા રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બે પોલીસ-કર્મચારીને કોરોનાનું સંક્રમણ થયું છે. જોકે બન્ને અત્યારે ડ્યુટી પર નથી. એક શાહપુર છે અને બીજો કર્મચારી થાણેમાં હોમ ક્વૉરન્ટીનમાં છે. તેમની કોવિડ-૧૯ ટેસ્ટ ૧૬ મેએ પૉઝ‌િટ‌િવ આવી હતી.’ ઉલ્લેખનીય છે કે ગઈ કાલે મુંબઈ પોલીસના વધુ એક પોલીસ-કર્મચારીના મૃત્યુ સાથે શહેરમાં કોરોનાએ ભોગ લીધેલા પોલીસની સંખ્યા ૯ થઈ હતી.

મુંબઈના ઍડિશનલ પોલીસ-કમિશનર ક્વૉરન્ટીન થયા

મધ્ય મુંબઈના ઍડિશનલ પોલીસ-કમિશનરના રીડરની ડ્યુટી બજાવતા એક ઇન્સ્પેક્ટરની કોવિડ-૧૯ ટેસ્ટ પૉઝ‌િટ‌િવ આવ્યા બાદ ગઈ કાલે તેઓ ૧૪ દિવસ માટે હોમ ક્વૉરન્ટીન થયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ ઇન્સ્પેક્ટરની તબિયત ઠીક ન હોવાથી તેને સાંતાક્રુઝ (ઈસ્ટ)માં આવેલી કોલેકલ્યાણ પોલીસ હૉસ્પિટલમાં ગયા મંગળવારે ઍડ્‌મિટ કરવામાં આવ્યા હતા. અહીં બાદમાં તેમની કરાયેલી કોવિડ-૧૯ ટેસ્ટ પૉઝ‌િટ‌િવ આવી હતી. ઑફિસરનો રિપોર્ટ પૉઝ‌િટ‌િવ આવ્યા બાદ સાવચેતીના પગલારૂપે ઍડિશનલ કમિશનર સહિત ચાર પોલીસ ૧૪ દિવસ માટે હોમ ક્વૉરન્ટીન થઈ ગયા છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown mira road bhayander