કોરોનાના આતંકમાં સેવા કરી રહેલા નાલાસોપારાના કચ્છી હોટેલિયરની ઝિંદાદિલી

27 April, 2020 10:39 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોનાના આતંકમાં સેવા કરી રહેલા નાલાસોપારાના કચ્છી હોટેલિયરની ઝિંદાદિલી

નાલાસોપારામાં સફાઈ-કામદારોને ચા-પાણીની સેવા આપી રહેલા સચિન ગાલા.

કોરોનાના સંકટમાં ભલભલા લોકો મુશ્કેલીમાં સપડાઈ ગયા છે. મોટા ભાગના ઘરમાં બેસીને આ મુશ્કેલી દૂર થવાની ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ એવાય લોકો છે જેમનું કામકાજ સાવ બંધ થઈ જવાથી આવકનો કોઈ માર્ગ ન હોવા છતાં વિકટ પરિસ્થિતિમાં લોકોને મદદ કરવી રહ્યા છે.

નાલાસોપારા-ઈસ્ટમાં આચોલે રોડ પરની સોસાયટીમાં રહેતા ૩૯ વર્ષના સચિન તલકચંદ ગાલાએ ત્રણેક મહિના પહેલાં નાલાસોપારા અને વિરારમાં બે હોટેલ અને ચાની એક દુકાન શરૂ કરી હતી. કામકાજ માંડ-માંડ થાળે પડી રહ્યું હતું ત્યાં જ કોરોનાનું સંકટ આવતાં બધા ધંધા બંધ થઈ ગયા છે. આમ છતાં તે એક મહિનાથી જરૂરિયાતમંદોની સેવામાં લાગી ગયા છે.

કચ્છના ધીંગીધરા મોટા કાંડાગરા ગામના મૂળ વતની સચિન ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કામકાજ બંધ થઈ જતાં શરૂઆતમાં મેં ચોકી કરી રહેલા પોલીસને ચા આપવા માંડેલી. બાદમાં ખબર પડી કે અનેક ગરીબો અને જરૂરિયાતમંદો મુશ્કેલીમાં સપડાયા છે એટલે હોટેલના સ્ટાફની મદદથી દરરોજ સવારે નાસ્તો અને બપોર-સાંજે જમવાનું બનાવવા માડ્યું. ૩૦૦ જેટલા લોકો આનો લાભ લે છે. એ સિવાય મૂંગાં પશુ-પક્ષીઓ માટે ચણ અને દૂધ-બિસ્કિટ નાખું છું. ગરીબોને માસ્ક ન મળતા હોવાનું ધ્યાનમાં આવતાં તેમને માસ્ક પહોંચાડવાની સેવા કરું છું. એક મહિનાથી આ કામ નિરંતર ચાલી રહ્યું છે. મારી પાસે રૂપિયા નથી, પણ કરિયાણાની દુકાનવાળા મિત્રો અને દૂધની ડેરીવાળાની મદદથી આ સમાજસેવા થઈ રહી છે.’

coronavirus covid19 nalasopara mumbai news