માનપાડાના ખાનગી સ્ટોરમાં 500 માણસોએ સોશિયલ ડિસ્ટન્સિંગમાં લાઈન લગાવી

08 April, 2020 09:43 AM IST  |  Mumbai | Mumbai Correspondent

માનપાડાના ખાનગી સ્ટોરમાં 500 માણસોએ સોશિયલ ડિસ્ટન્સિંગમાં લાઈન લગાવી

માનપાડામાં ડિપાર્ટમેન્ટ સ્ટોરની બહાર લાઇન લગાવીને ઉભા રહેલા નાગરિકો.

કોરોના વાઈરસ વધુ પ્રમાણમાં ન ફેલાય એ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. નાગરિકોએ જીવનાવશ્યક વસ્તુની ખરીદી કરવા માટે નાછૂટકે બહાર નીકળવું પડતું હોય છે, ડોંબિવલીની જનતાએ સરકારના આદેશનું પાલન કરીને ખાનગી સ્ટોરમાંથી ખરીદી કરી હતી. ડોંબિવલી ઈસ્ટના માનપાડા સર્કલ નજીક આવેલા એક ખાનગી ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ૫૦૦ જેટલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઊભા રહીને લાઈન લગાવી હતી. જોકે કોઈ પણ પ્રકારની અફડાતફડી ન ફેલાય એ માટે પોલીસે આગલે દિવસે મીટિંગ બોલાવીને સ્ટોરના મેનેજરને પણ તાકીદ કરી હતી.

ડોંબિવલી ઇસ્ટમાં આવેલા માનપાડા વિસ્તારમાં ખાનગી સ્ટોરમાં જીવનાવશ્યક ચીજવસ્તુ લેવા માટે ભારે પ્રમાણમાં ગિરદી થઈ હતી. આ અંગે ડોંબિવલી માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દાધારી ચૌરેએ મિડ-ડેને કહ્યું હતું કે ‘નાગરિકોને જરૂરી ચીજવસ્તુ મળી જાય એ માટે અમે બનતી કોશિશ કરીએ છીએ. ગઈ કાલે જીવનાવશ્યક ચીજવસ્તુઓ માટેનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલવામાં આવવાનો છે એની જાણ અમે એક દિવસ પહેલાં જ કરી દીધી હતી. જોકે સ્ટોરના મેનેજરે પણ ખરીદી કરવા આવનારાઓને પાસ આપી દીધા હતા. આ ઉપરાંત અમે લોકોને ઓનલાઈન ખરીદી કેવી રીતે કરવી તેની જાણકારી પણ આપી હતી. ડીસીપી, એસીપી અને સ્ટોરના મેનેજર સાથે મીટિંગ કરીને પબ્લિકને જરૂરી સૂચનાઓ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે પબ્લિકે સોશિયલ ડિસ્ટન્સિંગ અને જરૂરી માર્ગદર્શનનું પાલન કરીને ડિસિપ્લીન રાખી હતી. આથી અમને પબ્લિકને કંટ્રોલ કરવા માટે કોઈ મુશ્કેલી થઈ નહોતી.’

કોરોના વાઈરસ જેવી મહામારીને પહોંચી વળવા માટે 21 દિવસનો જનતા કરફ્યુ લાદવામાં આવ્યો છે. જનતા કરફ્યુ હોવા છતાં નાગરિકો જરૂરી સાવચેતી રાખી રહ્યા ન હોવાને કારણે સરકાર અને પાલિકા પ્રશાસનને ગંભીર પગલાં લેવાની ફરજ પડી રહી છે. જોકે એવામાં ડોંબિવલીવાસીઓએ સરકારે સૂચવેલી માર્ગદર્શિકા મુજબ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ખરીદી કરીને ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

mumbai mumbai news dombivli coronavirus covid19