BMC વેજિટેબલ માર્કેટના સ્ટોલધારકને કોરોના પૉઝિટિવ આવતા બોરીવલીમાં પૅનિક

30 April, 2020 07:36 AM IST  |  Mumbai | Nimesh Dave, Pallavi Smart

BMC વેજિટેબલ માર્કેટના સ્ટોલધારકને કોરોના પૉઝિટિવ આવતા બોરીવલીમાં પૅનિક

BMC વેજિટેબલ માર્કેટ: નિમેશ દવે

બોરીવલી (પશ્ચિમ)માં મુંબઈ મહાનગરપાલિકાની ઇમારતમાં ચાલતા બજારમાં શાકભાજીના એક સ્ટોલધારકને કોરોના ઇન્ફેક્શન લાગ્યું હોવાનો સંદેશ સોશ્યલ મીડિયા પર ફેલાતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. એ સંદેશમાં રસ્તા પરના ફેરિયા પાલિકાની બજારમાંથી શાક અને ફળો ખરીદતા હોવાથી લોકોને એ ફેરિયા પાસેથી ખરીદી નહીં કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

લોકો શાકભાજી અને ફળો ખરીદવા લાંબા અંતર સુધી જઈ શકે એમ નહીં હોવાથી આવા સંદેશાને કારણે ફેરિયાઓ પર આધાર રાખે છે. એ સંજોગોમાં આવી ખબરો ફેલાતાં લોકો મૂંઝવણમાં પડે છે. ૨૬ એપ્રિલે પાલિકાની ઇમારતના બજારમાં એક સ્ટોલધારકનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ લોકોમાં શંકા-કુશંકાઓ અને ભયનું વાતાવરણ જોઈને મહાનગરપાલિકાએ એ બજારને બંધ કર્યું હતું, પરંતુ બજારને ડિસઇન્ફેક્ટ કર્યા પછી ખુલ્લું કરવાનો પણ નિર્ણય લીધો હતો.

જે સ્ટોલધારકનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ મળ્યો હતો, એ સ્ટોલધારક બે અઠવાડિયાંથી બજારમાં આવ્યો નથી. એ સેલ્ફ ક્વૉરન્ટીનમાં રહેવા માંડ્યો હતો. મહાનગરપાલિકાએ બજારને સીલ કરીને ડિસઇન્ફેક્ટ કરીને પછી ખોલવાનો નિર્ણય લીધો હતો, પરંતુ લોકોમાં શંકા-કુશંકા એટલી તીવ્ર બની હતી કે છેક આઇ.સી કૉલોનીના ફેરિયાને લોકો પૂછતા હતા કે તમે સ્ટેશન પાસેના બજારમાંથી તો શાકભાજી અને ફળો નથી ખરીદ્યાં ને?

એ સ્ટોલધારક બોરીવલીમાં જ રહે છે. એની બીમારીનાં લક્ષણોની તીવ્રતા ન ઘટી ત્યારે એણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રવિવારે એના રિપોર્ટમાં કોરોના પૉઝિટિવના રિમાર્ક મળ્યા પછી એને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરે જણાવ્યું હતું કે ‘કોરોના પૉઝિટિવ સ્ટોલધારક બજારમાં આવતો નથી, તે ઉપરાંત મહાનગરપાલિકા આખા બજારને ડિસઇન્ફેક્ટ કરી રહી છે એથી ડરવાની કોઈ જરૂર નથી.’ અન્ય નગરસેવક શિવા શેટ્ટીએ બોરીવલીમાં દરદીઓની સંખ્યા વધતી હોવા છતાં પાલિકા તથા સરકારી તંત્રો બેદરકાર હોવા વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

pallavi smart mumbai mumbai news borivali coronavirus covid19