કોવિડ-19: 24 કલાકમાં રાજ્યના 87 પોલીસ કોરોનામાં સપડાયા

25 May, 2020 09:47 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોવિડ-19: 24 કલાકમાં રાજ્યના 87 પોલીસ કોરોનામાં સપડાયા

પ્રતીકાત્મક તસવીર

કોરોના સામેની લડતમાં સ્વાસ્થ્ય વિભાગની સાથે પોલીસ પણ લૉકડાઉનનું પાલન કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા ફ્રન્ટલાઇન પર કામ કરી રહ્યા છે ત્યારે આ વિભાગના કર્મચારીઓ મોટા પ્રમાણમાં વાઇરસમાં સપડાઈ રહ્યા છે. ગયા ૨૪ કલાકમાં રાજ્યના પોલીસ વિભાગના ૮૭ પોલીસ-કર્મચારીને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે અત્યાર સુધીમાં ૧૬૭૧ પોલીસ આ જીવલેણ વાઇરસની ચપેટમાં આવ્યા છે, જ્યારે ૧૮ પોલીસ મૃત્યુ પામ્યા છે.

ગૃહપ્રધાન અનિલ દેશમુખે આપેલી માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭૪ પોલીસ-અધિકારી સહિત ૧૪૯૭ પોલીસ-કર્મચારી મળીને કુલ ૧૬૭૧ કોરોના સંક્રમિત થયા છે. આમાંથી ૧૮ પોલીસ-કર્મચારીએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૬૭૩ પોલીસ કોરોનાને હરાવીને સાજા થયા છે.

લૉકડાઉન-૪ લાગુ કરાયા બાદથી મુંબઈ સહિત રાજ્યભરમાં પોલીસનો બંદોબસ્ત ચુસ્ત કરાયો હોવાથી વધારે પોલીસને ફરજ પર ઉતારાયા છે. મુંબઈમાં સૌથી વધારે કોરોનાના કેસ હોવાથી પોલીસ પર જોખમ વધ્યું છે. આને ધ્યાનમાં રાખીને કોરોનાથી મૃત્યુ પામનારા પોલીસના પરિવારને ૬૫ લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

મરનારના પરિવારને વળતરમાં રાજ્ય સરકાર ૫૦ લાખ આપશે, મરનારના પરિવારજનને સરકારી નોકરી, મુંબઈ પોલીસ ફાઉન્ડેશન ૧૦ લાખની મદદ કરશે અને પ્રાઇવેટ બૅન્ક ઇન્શ્યૉરન્સથી પાંચ લાખ રૂપિયાનો વીમો આપવાનો નિર્ણય મુંબઈના પોલીસ-કમિશનર પરમબીર સિંહ અને ડીસીપી પ્રણય અશોકે થોડા દિવસ પહેલાં લીધો હતો.

mumbai mumbai news coronavirus covid19 lockdown