મહારાષ્ટ્ર લૉકડાઉન થવાના ભયે પૂર્વ અને ઉત્તર ભારતના લોકોની વતન ભણી દોટ

21 March, 2020 07:45 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મહારાષ્ટ્ર લૉકડાઉન થવાના ભયે પૂર્વ અને ઉત્તર ભારતના લોકોની વતન ભણી દોટ

ટ્રેન

મહારાષ્ટ્ર સરકારે શહેરમાં લૉકડાઉન કરવાની ભીતિ દેખાડીને લોકોને ભીડમાં એકઠા થતાં રોકવાની કોશિશ કરી હતી, પરંતુ શહેરના લોકો પર એનાથી તદ્દન વિપરીત અસર થઈ હોય એમ લાગી રહ્યું છે. શહેરના મધ્ય અને પશ્ચિમ રેલવેનાં મહત્ત્વનાં સ્ટેશનો પર ભારે સંખ્યામાં લોકો એકત્ર થઈ પોતાના ગામ જવા રવાના થઈ રહ્યા છે. એમાં મોટા ભાગના બહારગામથી મુંબઈમાં રોજીરોટી કમાવા આવેલા નબળા વર્ગના, દૈનિક વેતન મેળવનારા, કામદારો, ટૅક્સી-ડ્રાઇવરો છે. તેમનું વર્તન એ પ્રકારનું છે જાણે મુંબઈ શહેરમાં કોરોનાનો ત્રાસ હદ વટાવી ગયો છે.

કોરોનાના ભયને લીધે મુંબઈ અને પુણેથી પૂર્વ અને ઉત્તર ભારત તરફના વિસ્તારોમાં અચાનક જવાની ટ્રેનોમાં મુસાફરોની ભીડ વધી ગઈ છે. આ વધારાની ભીડને પહોંચી વળવા મધ્ય રેલવેએ પટના, હાવરા, દાનાપુર, ગોરખપુર, મંડુવાડીહ અને બલ્લારશાહ જેવાં વિવિધ સ્થાનકો સુધી પહોંચવા માટે વિશેષ વનવે ટ્રેન શરૂ કરી હોવાનું મધ્ય રેલવેના એક પ્રવક્તાએ જણાવતાં વધુમાં ઉમેર્યું હતું કે આને માટે બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ટ્રેનોમાંના સામાન્ય શ્રેણીના બીજા વર્ગના કોચ અનારક્ષિત કોચ તરીકે દોડાવાશે, જેને માટેની ટિકિટ સુપરફાસ્ટ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનની જેમ જ યુટીએસના માધ્યમથી બુક કરાવી શકાશે.

આ પણ વાંચો : જનતા કર્ફ્યુને લીધે 3500થી વધુ ટ્રેનો રેલવે બોર્ડે રદ કરી : આ ટ્રેનોનો સમાવેશ

પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ પણ બલ્લારશાહ માટે વિશેષ વનવે ટ્રેન ચલાવવાની વ્યવસ્થા કરી હોવાનું જણાવતાં વધુમાં ઉમેર્યું હતું કે પરાંમાંથી દક્ષિણ મુંબઈ તરફ પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યામાં સતત ભારે ઘટાડો નોંધાતાં પરાંના મુસાફરોની સંખ્યામાં લાખોનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. દરમ્યાન બેસ્ટના મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. ગઈ કાલે બેસ્ટના મુસાફરોની સંખ્યામાં આગળના દિવસની તુલનાએ ૩૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. બેસ્ટે એના મુસાફરોને ઊભા રહીને પ્રવાસ કરવાની મનાઈ ફરમાવી છે.

central railway mumbai railways coronavirus covid19 mumbai mumbai news rajendra aklekar