હૉસ્પિટલમાં વૃદ્ધાનું મોત નીપજ્યા બાદ સ્ટાફ, દરદીઓમાં છવાયો ભયનો માહોલ

31 March, 2020 11:17 AM IST  |  Mumbai | Anurag Kamble

હૉસ્પિટલમાં વૃદ્ધાનું મોત નીપજ્યા બાદ સ્ટાફ, દરદીઓમાં છવાયો ભયનો માહોલ

સુશ્રુષા હૉસ્પિટલ

દાદરની સુશ્રુષા હૉસ્પિટલમાં ૮૧ વર્ષની વૃદ્ધાના મોતથી દરદીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ છવાયો છે. દરદીનો કોવિડ-૧૯ માટેનો રિપોર્ટ આવવો હજી બાકી છે ત્યારે વૃદ્ધાના મોતથી દાદરના હજારો રહીશોમાં પણ ગભરાટનું મોજું ફરી વળ્યું છે. સ્ટાફ ચિંતિત છે, કારણ કે મૃતદેહ કોવિડ-૧૯ના દરદીઓ માટેના નિયમો પ્રમાણે નિકાલ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ને સોંપવામાં આવ્યો હતો. સ્ટાફનો દાવો હતો કે તેમને દરદી કોવિડ-૧૯ પૉઝિટિવ છે કે કેમ અને તેમણે સ્વયંને ક્વૉરન્ટીન કરવા જોઈએ કે નહીં‍ એ જણાવવામાં આવ્યું નહોતું.

મરનાર દરદીને ૧૮ માર્ચે છાતીના દુખાવા અને શ્વાસ લેવાની તકલીફ સર્જાતાં બપોરે દાખલ કરવામાં આવ્યાં હતાં. ૧૦ દિવસની સારવાર બાદ ૨૮ માર્ચના હૉસ્પિટલના આઇસીયુમાં વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. તેમનાં સ્વૅબ એકત્રિત કરીને ૨૫ માર્ચે મેટ્રોપોલિસ લૅબમાં નિદાન માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી રિપોર્ટ આવ્યો નથી. જોકે મૃતદેહને બીએમસીને સોંપવામાં આવતાં સ્ટાફ ગભરાઈ ગયો છે.

બીજી તરફ સુશ્રુષા હૉસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસિનનાં ઇન્ચાર્જ ડૉ. અમેયા મેધેકરે જણાવ્યું હતું કે બીએમસીની માર્ગદર્શિકા અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ‘દરદીની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નહોતી કે તેઓ પૉઝિટિવ દરદીઓ કે પ્રવાસીઓ સાથે તેઓ નિકટ સંપર્કમાં પણ આવ્યા નહોતા. તેમની સારવાર દરમિયાન ટેસ્ટિંગ માટેની માર્ગદર્શિકાઓ અનુસરવામાં આવી હતી જેમાં શ્વાસોચ્છ્વાસની ભારે સમસ્યા ધરાવતા દરદીની કોવિડ-૧૯ ટેસ્ટ કરવી એનો પણ સમાવેશ થાય છે. અમે ૨૫ માર્ચના સ્વ‍ૅબ સૅમ્પલ મોકલ્યા હતા. અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.’

mumbai mumbai news dadar coronavirus covid19 anurag kamble