કોરોના મહામારી વચ્ચે ચૂંટણીની ડ્યુટી સોંપાતાં શિક્ષકો મૂંઝવણમાં

19 September, 2020 07:10 AM IST  |  Mumbai | Pallavi Smart

કોરોના મહામારી વચ્ચે ચૂંટણીની ડ્યુટી સોંપાતાં શિક્ષકો મૂંઝવણમાં

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના રોગચાળા વચ્ચે સરકારી સ્કૂલના ટીચર્સને ચૂંટણીની ડ્યુટીના આદેશ મળ્યા છે. એક તરફ તેઓ સ્ટુડન્ટ્સને ઑનલાઇન શિક્ષણ આપવા મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા છે, તેવામાં આ નવા આદેશથી તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. માત્ર ઑનલાઇન ક્લાસીસમાં વિક્ષેપ પડવાથી નહીં પરંતુ રોગચાળાના સમયમાં નિવાસી સંકુલોમાં તેમને પ્રવેશ કરવા દેવામાં આવશે કે નહીં તે વિશે પણ તેઓ ચિંતિત છે. આ બાબતે ટીચર્સ અસોસિએશને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી અનેક સરકારી સ્કૂલના શિક્ષકોને ચૂંટણીની ડ્યુટીની તાલીમ માટેના સત્રમાં હાજર થવાનું જણાવતા આદેશ મળી રહ્યા છે. આદેશમાં ટીચરોને તેમને સોંપેલા વિસ્તારમાં જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં કાર્ય પૂર્ણ કરવા જણાવાયું છે. આમાંના અનેક ટીચરો હાલમાં જ કોવિડ-19ની ડ્યુટીમાંથી મુક્ત થયા છે.

અગાઉ રાજ્ય સરકારે ટીચર્સને કોવિડ-19ની ડ્યુટીમાંથી મુક્ત કરી ઑનલાઇન ક્લાસીસ શરૂ કરવા આદેશ આપ્યા હતા અને હવે તદ્દન વિરોધાભાસી આદેશ આપ્યા છે.

મહારાષ્ટ્ર સ્ટેટ ટીચર્સ અસોસિએશનના મુંબઈ ડિવિઝનના સેક્રેટરી શિવનાથ દરાડેએ કહ્યું હતું કે કાંદિવલીની એક સરકારી સ્કૂલમાંથી ૧૦ ટીચર્સ અને મલાડની એક સ્કૂલમાંથી પાંચ ટીચર્સને ચૂંટણીની ડ્યુટી માટે ઓર્ડર્સ મળ્યા છે. એક જ સ્કૂલમાંથી આટલા બધા ટીચર્સ ચૂંટણીની ફરજ બજાવશે તો ઑનલાઇન શિક્ષણમાં કઈ રીતે અભ્યાસક્રમ પૂરો કરી શકાય એવો પણ પ્રશ્ન અસોસિએશને ઉઠાવ્યો છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown pallavi smart