મુંબઈ : સામાજિક અન્યાયનો બોજ સહન કરે છે વરલી કોલીવાડા

01 April, 2020 10:09 AM IST  |  Mumbai | Vishal Singh

મુંબઈ : સામાજિક અન્યાયનો બોજ સહન કરે છે વરલી કોલીવાડા

દાદરમાં આવેલી શિવનેરી બિલ્ડિંગની સફાઈ કરતા રહેવાસીઓ. તસવીર : પી.ટી.આઇ

કોરોના વાઇરસના રોગચાળાને કારણે સીલ કરવામાં આવેલા વરલી કોલીવાડામાં આઠ પૉઝિટિવ કેસ ચિંતાનો વિષય બન્યા છે, પરંતુ દાઝ્યા પર ડામની માફક લોકો ફોન કરીને તેમને શહેરમાં કોરોના રોગચાળો ફેલાવવા માટે જવાબદાર ઠેરવે છે અને વૉટ્સઍપ જેવા સોશ્યલ મીડિયા પર તેમને ધિક્કારતા સંદેશા મોકલે છે. ૨૭ માર્ચે સાત સ્થાનિક રહેવાસીઓના કોરોના ટેસ્ટ પૉઝિટિવ મળ્યા પછી આખા વરલી કોલીવાડાને સીલ કરવામાં આવ્યું હતું. ૮૦,૦૦૦ લોકોની વસ્તી ધરાવતા એ વિસ્તારની વધુ એક વ્યક્તિના કોરોના ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ મળ્યાના ગઈ કાલના અહેવાલ પછી એ સંખ્યા આઠ પર પહોંચી હતી. મધ્ય મુંબઈના વરલીમાં સાંકડી ગલીઓ ધરાવતા માછીમારોના વિસ્તાર કોલીવાડા પર પોલીસ તંત્ર ડ્રોન વડે નિગરાણી રાખે છે.

વરલી કોલીવાડાના સ્થાનિક આગેવાન પ્રહલાદ કોલીએ ગઈ કાલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આજે મોટા ભાગના મુંબઈવાસીઓ વરલી કોલીવાડાના રહેવાસીઓને શંકાની નજરે જુએ છે. ૮૦,૦૦૦ લોકોની વસ્તી ધરાવતા અમારા વિસ્તારમાં ગઈ કાલે સવારથી દૂધ અને દવાઓની દુકાનો બંધ છે. નાનાં બાળકો માટે દૂધ અને વૃદ્ધો માટે દવાઓ ક્યાંથી લાવીએ?’

કામગાર નેતા અને વરલી કોલીવાડાના રહેવાસી બન્ટી લાડે જણાવ્યું હતું કે ‘આ વિસ્તારના રસ્તા સાંકડા છે. એમાં લોકો એકબીજાને અડે એવી પૂરેપૂરી શક્યતા હોય છે. કોઈ પૉઝિટિવ રિપોર્ટવાળો દરદી બીજી વ્યક્તિને અડે તો ખબર ન પડે એવી સ્થિતિ છે. અહીં સાંકડી ઓરડીઓમાં ૧૦-૧૦ જણ રહે છે. કૉમન ટૉઇલેટનો ઉપયોગ કરે છે. એવામાં રોગ ફેલાતો કેવી રીતે રોકવો એ મોટો પ્રશ્ન ઊભો રહે છે.’

mumbai mumbai news coronavirus covid19 worli vishal singh