લૉકડાઉન: પનવેલના કોર્પોરેટરે ટેરેસ પર આપી બર્થ ડે પાર્ટી

12 April, 2020 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉન: પનવેલના કોર્પોરેટરે ટેરેસ પર આપી બર્થ ડે પાર્ટી

અજય તુકારામ બહેરા

કોરોનાના સંકટનો સામનો કરવા માટે દેશભરમાં લૉકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગનો કાયદો અમલમાં હોવા છતાં પોતાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરનારા પનવેલ નગરપાલિકાના બીજેપીના નગરસેવક સહિત ૧૧ લોકો સામે પનવેલ શહેર પોલીસે શુક્રવારે મોડી રાત્રે કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી હતી. સામાન્ય લોકો કાયદાનો ભંગ કરે તો સમજી શકાય છે, પરંતુ એક લોકપ્રતિનિધિ આજની ગંભીર પરિસ્થિતિમાં પોતાની સાથે બીજાઓને જોખમમાં મૂકે એવું વર્તન કરવાથી સૌ ચોંકી ઊઠ્યા છે.

પનવેલ નગરપાલિકાના પ્રભાગ ૨૦-ક વૉર્ડમાંથી ચૂંટાયેલા બીજેપીના નગરસેવકનો જન્મદિવસ હોવાથી તેણે પોતાના ૧૦ મિત્રોને પાર્ટી કરવા માટે ઘરે બોલાવ્યા હોવાનું કહેવાય છે. તેઓ દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની માહિતી પનવેલ શહેર પોલીસને મળતાં શુક્રવારે મોડી રાત્રે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

અત્યારના સંકટના સમયમાં ચારથી વધુ લોકોએ એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતાં એક જ સ્થળે નગરસેવક અજય તુકારામ બહેરા સહિત ૧૧ લોકો જોવા મળતાં પોલીસે તેમના ઘરેથી દારૂની કેટલીક બૉટલ જપ્ત કરીને તમામ સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

પનવેલ શહેર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુનીલ તારમાળે તથા તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. તમામને પોલીસ સ્ટેશનમાં લાવીને તેમની સામે કોરોનાના સંકટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન તથા સંચારબંદીનો ભંગ કરવાના ગુના નોંધાયા હતા. જોકે બાદમાં તમામને જામીન પર મુક્ત કરાયા હતા.

એક નગરસેવક થઈને નિયમ અને કાયદાનું ભંગ કરીને પોતાની સાથે અન્યોના જીવ જોખમમાં મૂકીને બર્થ ડે પાર્ટીનું આયોજન કરવા બદલ સૌએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જનપ્રતિનિધિનું કામ આવા સંકટના સમયે લોકોને તમામ નિયમ અને કાયદાનું પાલન કરવાની જાગૃતિ લાવવાનું સૌથી મહત્ત્વનું હોય છે, પણ પોતે જ આવું વર્તન કરે તો લોકો પાસેથી શું અપેક્ષા રાખી શકાય એવો સવાલ ઊભો થયો છે.

mumbai mumbai news coronavirus bharatiya janata party panvel