મુંબઈ: ચિંચપોકલીની સ્કૂલે શરૂ કર્યા ઑનલાઇન ક્લાસ

05 April, 2020 07:10 AM IST  |  Mumbai | Jaydeep Gatrana

મુંબઈ: ચિંચપોકલીની સ્કૂલે શરૂ કર્યા ઑનલાઇન ક્લાસ

પ્રતીકાત્મક તસવીર

સ્કૂલમાં વેકેશન પહેલાં જ વેકેશન પડી ગયું હોવાને કારણે બાળકોને મજા પડી ગઈ છે, પણ ઘરની બહાર નીકળવા મળતું ન હોવાને કારણે બાળકો પણ હવે કંટાળી ગયાં છે. આવા સમયે શહેરના ચિંચપોકલીમાં આવેલી એક સ્કૂલના મૅનેજમેન્ટે તેમના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન સ્કૂલ શરૂ કરી છે. ઘરમાં જ સ્કૂલ હોય તો કેવી મજા એવું વિચારતા વિદ્યાર્થીઓને હવે ઘરમાં બેઠાં-બેઠાં ભણવાનો લાભ મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓમાં સકારાત્મક વિચાર આવે એ અર્થથી ચિંચપોકલીમાં આવેલી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન સંચાલિત કેન્યા ઍન્ડ ઍન્કર સ્કૂલ મૅનેજમેન્ટે ઑનલાઇન સ્કૂલ શરૂ કરી છે. સ્કૂલ-મૅનેજમેન્ટના સેક્રેટરી પ્રફુલ્લ ફુરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારી આ સ્કૂલ છેલ્લાં ૩૫ વર્ષથી કાર્યરત છે. ટીચર અને પ્રિન્સિપાલ સાથે ચર્ચા કર્યા બાદ અમે પેરન્ટ્સ સાથે પણ ચર્ચા કરી હતી. બધાની તૈયારી હોવાને કારણે અમે આ શાળા ઑનલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. વેકેશન પૂરું થતાં પહેલાં શરૂ કરવામાં આવેલી આ શાળામાં ૬૫ ટકા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, પણ બાકીના ૩૫ ટકા સ્ટુડન્ટ્સને આને કારણે કોઈ નુકસાન નહીં જાય.

શાળાનાં સેકન્ડરીનાં પ્રિન્સિપાલ ગઝાલા અબ્રાર સઈદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સ્કૂલનો સમય સાડાઆઠથી પોણાબાર અને સોમવારથી શુક્રવાર એમ નક્કી કરવામાં આવ્યો છે. શાળામાં હોય છે એમ જ દરેક પિરિયડ ૩૦ મિનિટનો રાખવામાં આવ્યો છે. ઝૂમ ઍપ્લિકેશન દ્વારા ઑનલાઇન શાળા ચલાવવામાં આવી રહી છે. છઠ્ઠાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પાસ કરી દેવાના છે એટલે તેઓને તો કોઈ વાંધો નથી આવવાનો, પણ ૯મા અને ૧૦મા ધોરણના સ્ટુડન્ટ્સ વિશે હજી સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી એટલે તેઓને જે અત્યારે ભણાવીશું એ જ શાળા શરૂ થયા બાદ જૂનમાં પણ ભણાવીશું. અમે રિવિઝન એક્ઝામ કરાવીએ છીએ. આવતા વર્ષે કામ આવી શકે એવું ગ્રામર અને કમ્પોઝિશન તેમ જ મૅથ્સ, સાયન્સ શીખવાડીએ છીએ અને સ્ટોરીઝ પણ કહીએ છીએ. આ ઉપરાંત ક્રીએટિવિટી તેમ જ આર્ટ્સ અને ક્રાફ્ટ્સ પણ શીખવાડીએ છીએ. છેલ્લા બે દિવસની પ્રૅક્ટિસમાં બાળકોને તો ઠીક, પેરન્ટ્સને પણ ખૂબ મજા પડી રહી છે.

mumbai mumbai news jaydeep ganatra coronavirus covid19