છેક વલસાડથી આવેલા આ લોકો પાસે રોટલી-શાકના પૈસા પણ નથી

13 May, 2020 06:52 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

છેક વલસાડથી આવેલા આ લોકો પાસે રોટલી-શાકના પૈસા પણ નથી

મનોર પાસે ચાવાળો

મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ તરફ જતા હિજરતી મજૂરોથી ખીચોખીચ ભરેલી ટ્રકને હાઇવે પર નાશિકથી ૨૦ કિલોમીટર દૂર રોકવામાં આવી. એમાંથી લલિતકુમાર નામના વારાણસીના રહેવાસીએ નજીકના ઢાબા પર જઈને કંઈક જમવાનું લેવાનો પ્રયત્ન કર્યો. લલિતકુમાર અને તેમના મિત્રો ટ્રકમાં બેસતાં પહેલાં ખાધા-પીધા વગર ૫૦ કિલોમીટર ચાલ્યા હતા. ટ્રકમાં પ્રવાસ માટે માથાદીઠ ૪૦૦૦ રૂપિયા ચૂકવ્યા હોવાથી તેમની પાસે માંડ થોડા પૈસા બચ્યા હતા. ૭૦ રૂપિયાનું શાક અને ૧૫ રૂપિયાની એક રોટલી તેમને મોંઘી પડે એમ હોવાથી તેમના ગ્રુપના બધાએ થોડા-થોડા પૈસા કાઢીને અડધો કિલો ફરસાણ લઈને વહેંચવા માંડ્યું હતું. લલિતકુમારની સાથે બીજા ૬ જણ નિરાલાપ્રસાદ, મનોજકુમાર, વિનોદકુમાર, રાજતિલક, અમિતકુમાર અને પ્રહ્‍લાદ વર્મા છે.

મિત્રો સાથે લલિતકુમાર. તસવીરઃ રણજિત જાધવ

લલિતકુમારે જણાવ્યું કે ‘અમે વલસાડની કાપડમિલમાં કામ કરતા હતા. એક મહિનાથી અમને પગાર મળ્યો નથી. ખાવાનું અમને પરવડે એમ નથી. ઘરે પહોંચવાનું અમારું એકમાત્ર લક્ષ્ય છે. રવિવારે અમે નીકળ્યા પણ ઉત્તર પ્રદેશ જવા માટે કોઈ વાહન ન મળ્યું. એટલે અમે મહારાષ્ટ્રની દિશામાં નીકળ્યા હતા. ચેક-પોસ્ટથી બચવા અમે જંગલોમાંથી પસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો હતો. ઘણી મુશ્કેલી સહન કર્યા પછી અમને માથાદીઠ ૪૦૦૦ રૂપિયાના ખર્ચે ઘર સુધી પહોંચવા માટે ટ્રક મળી છે.’

મિલ મજૂર પ્રહ્‍લાદ વર્મા. તસવીર : રણજિત જાધવ

ઉત્તર પ્રદેશ જવા માટે કલ્યાણ ફાટાથી ટ્રકમાં બેઠેલા મજૂરોએ જણાવ્યું કે ટ્રક-ડ્રાઇવર હિજરતી શ્રમિકોને તેમના વતનમાં લઈ જાય છે, પરંતુ ખૂબ ભારે ભાડાં લેતા હોય છે. મીરા-ભાઈંદર શહેરમાં ચાનો સ્ટૉલ ચલાવતા રાજસ્થાનના ડુંગરપુરના વતનીઓ ગુજરાત તરફ ચાલતાં-ચાલતાં સોમવારે સાંજે સાડાચાર વાગ્યે વિરારથી આગળ વૈતરણા પાસે પહોંચ્યા હતા. ચાના સ્ટૉલધારક લોકેશકુમારે જણાવ્યું કે ‘અમે દરરોજ ચા વેચીને દરરોજ કમાતા હોવાથી ઘણા વખતથી અમારી આર્થિક સ્થિતિ કફોડી બની છે. અમે ગુજરાત પહોંચ્યા પછી અમારા સગા ડુંગરપુર પહોંચવા અમારે માટે ટ્રકની વ્યવસ્થા કરશે.

mumbai mumbai news ranjeet jadhav coronavirus covid19 lockdown