ખીચડી મળે છે, પણ માણસ ખાઈ શકે એવી નથી હોતી: કામદારોની ગંભીર હાલત

07 May, 2020 07:24 AM IST  |  Mumbai | Diwakar Sharma, Faizan Khan

ખીચડી મળે છે, પણ માણસ ખાઈ શકે એવી નથી હોતી: કામદારોની ગંભીર હાલત

પંદર દિવસથી દરરોજ અમને ખીચડી ખવડાવે છે

કોરોના વાઇરસના રોગચાળાને કારણે થાણે જિલ્લાના ભિવંડી શહેરની પાવરલૂમ્સમાંથી પણ હજારો પરપ્રાંતીય કામદારો પગપાળા તેમના વતન ભણી હિજરત કરી રહ્યા છે. કેટલાક દિવસ પહેલાં ખાલી ખિસ્સાં અને સાધન વગર સેંકડો કિલોમીટર દૂર વતનની દિશામાં ચાલી નીકળેલા એ શ્રમિકો નિરાધાર હાલતમાં છે. બીજી બાજુ ભિવંડીમાં રહી ગયેલા કામદારો માટે પણ ભૂખમરો વેઠવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. ભિવંડી મહાનગરપાલિકા તરફથી પાવરલૂમ્સના કર્મચારીઓને વહેંચાતાં ફૂડ-પૅકેટ્સમાંના ખાદ્ય પદાર્થો ગળે ઊતરે એવા નહીં હોવાની ફરિયાદ પણ કર્મચારીઓ કરી રહ્યા છે.

બિહારના વતની મન્ઝર આલમે જણાવ્યું હતું કે ‘૧૫ દિવસથી રોજ અમને ખીચડી ખવડાવે છે. એમાં ફક્ત ભાત અને હળદર જ હોય છે, ક્યારેક એમાં શાકભાજી હોય છે. ખોરાકની ગુણવત્તા માણસને ખાવાલાયક ન ગણાય એટલી હલકી હોય છે. ઘણી વખત ખોરાક દૂષિત હોય એવું પણ લાગે છે. ખોરાકની ગંધથી ઊબકા આવે છે. રમજાન મહિનામાં અમે ઉપવાસ કરીએ છીએ, પરંતુ કેટલાક લોકોને ઊલટી થયા પછી એ લોકો ઉપવાસ તોડી નાખે છે,’

ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લાના વતની મોહમ્મદ શાહિદ કહે છે કે ‘પાવરલૂમનો માલિક અમારા ફોન રિસીવ કરતો નથી. તે પોતાનો મોબાઇલ ફોન સ્વિચ્ડ-ઑફ કરે છે અથવા અમારા નંબર્સ બ્લૉક કરી દે છે.’

પાવરલૂમના અન્ય કર્મચારી જલાલુદ્દીન અન્સારીએ જણાવ્યું હતું કે ‘અમને રાજ્ય સરકાર તરફથી અનાજ-કરિયાણાનું કાચું રૅશન પણ અપાતું નથી, કારણ કે એ રૅશન મહારાષ્ટ્રના હોય તેમને જ આપવામાં આવે છે. ફક્ત સમાજસેવકો દ્વારા સંચાલિત લંગર અને ભંડારા પર આધાર રાખવો પડે છે. સોમવારે હું એક લંગરમાં ૨૦૦ જણની કતારમાં ઊભો રહ્યો અને મારો વારો આવ્યો ત્યારે ખાવાનું પૂરું થઈ ગયું હતું. ત્યાર પછી ત્યાંથી અડધો કિલોમીટર દૂરના લંગરમાં જમવા ગયો. ત્યાં પણ તપેલાં ખાલી થઈ ગયાં હતાં. મંગળવારે મને માંડ-માંડ પેટ ભરાય એટલું ખાવાનું મળ્યું. જે લોકો પગપાળા વતન ભણી ન નીકળે તેમની આવી હાલત છે.’

જલાલુદ્દીનના સાથીઓ અબ્દુલ અલી અને મોહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે ‘તાજેતરમાં ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક કામદારોએ ટ્રકમાં વતન જવાનો પ્રયાસ કર્યો હતો. થોડા દિવસ પહેલાં અમે ટ્રક-ડ્રાઇવરને માથાદીઠ ૨૫૦૦ રૂપિયા ચૂકવીને એના વાહનમાં રવાના થયા, પરંતુ અમારી ટ્રક કર્જત પહોંચી ત્યાં પોલીસે રોકી અને ડ્રાઇવરને લાકડીઓ ફટકારીને ટ્રક પાછી મોકલી દીધી. અમે ભૂખમરો વેઠવા અહીં પાછા પહોંચી ગયા.’

મંગળવારે ભિવંડીના બસ-ડેપો ખાતે ૩૦૦૦ લોકોની ભીડ જમા થઈ હતી. ત્યાં એક બસમાં રવાના થતા ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના વતની યશપાલને ‘મિડ-ડે’ના સંવાદદાતાએ પૂછ્યું કે તમે અહીં પાછા ક્યારે આવશો? એના જવાબમાં યશપાલે કહ્યું કે હમારે પાસ ઔર ક્યા હૈ કમાને કે લિએ!

પંદર દિવસથી દરરોજ અમને ખીચડી ખવડાવે છે. એમાં ફક્ત ભાત અને હળદર જ હોય છે, ક્યારેક જ એમાં શાકભાજી હોય છે.
- મન્ઝર આલમ

 

bhiwandi diwakar sharma faizan khan mumbai mumbai news coronavirus covid19