મુમ્બ્રા પોલીસ-સ્ટેશનના ચાર જવાનો પૉઝિટિવ: 29ને ક્વૉરન્ટીન કરાયા

15 April, 2020 07:43 AM IST  |  Mumbai | Anurag Kamble

મુમ્બ્રા પોલીસ-સ્ટેશનના ચાર જવાનો પૉઝિટિવ: 29ને ક્વૉરન્ટીન કરાયા

થાણે પોલીસ રસ્તાઓને સીલ કરતી જોવા મળી હતી.

થાણે પોલીસના ચાર જવાનોના કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવના મળવા ઉપરાંત મુમ્બ્રા પોલીસ-સ્ટેશનના ૨૯ જવાનોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. કળવા પોલીસ-સ્ટેશનનો વહીવટી કારભાર સંભાળતા ઇન્સ્પેક્ટરને મુમ્બ્રા પોલીસ-સ્ટેશનના સ‌િનિયર ઇન્સ્પેક્ટરના હોદ્દાનો અખત્યાર સોંપવામાં આવ્યો છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પોલીસ-સ્ટેશનની કામગીરી સંભાળી રહ્યા છે. મુમ્બ્રામાં ટોળાં એકઠાં ન થાય એ માટે રાજ્ય અનામત પોલીસ દળના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. મુમ્બ્રામાં ફેલાયેલા તબલીગી જમાતના ૨૧ જણને શોધીને ક્વૉરન્ટીન માટે મોકલવાની જવાબદારી સંભાળતા સ‌િનિયર ઇન્સ્પેક્ટર સૌપ્રથમ ઇન્ફેક્શનનો ભોગ બન્યા હતા.

બે દિવસ પહેલાં સ‌િનિયર ઇન્સ્પેક્ટર નાશિક પાસે તેમના વતનમાં ગયા ત્યારે કોરોના ઇન્ફેક્શનનાં લક્ષણો દેખાયાં હતાં. ત્યાર પછી ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેમને નાશિકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે તબલીગી જમાતમાં જઈને આવેલા લોકોને શોધવા માટે દરોડાનો સિલસિલો શરૂ કર્યો હતો. એ દરોડાની ટીમમાં સિનિયર ઇન્સ્પેક્ટર ઉપરાંત અન્ય કેટલાક અધિકારીઓ પણ હતા. ૩૨ પોલીસ જવાનોની કોરોના ટેસ્ટ કરાવતાં એમાંથી ૩ જણના રિપોર્ટ પૉઝિટિવ મળ્યા છે. અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હોવાનું કળવા ડિવિઝનના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર સુનીલ ઘોસાળકરે જણાવ્યું હતું. પોલીસ-અધિકારીઓને મળ્યા હોય અને પોલીસ-સ્ટેશનમાં અવરજવર કરી હોય એવા લોકોને શોધવાની કોશ‌િશ ચાલતી હોવાનું પણ ઘોસાળકરે જણાવ્યું હતું.

થાણે મહાનગરપાલિકાનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે રાજ્યના પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે તેમના એક અંગરક્ષકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ મળ્યો હતો ત્યાર પછી સેલ્ફ-ક્વૉરન્ટીન અપનાવ્યું હતું. તે અંગરક્ષક અને રસોઇયા સહિત આવ્હાડના બંગલોમાં કામ કરતા ૧૬ જણનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ મળ્યો હોવાનું થાણે મહાનગરપાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

mumbai mumbai news anurag kamble Crime News thane mumbra thane crime mumbai crime news