મુંબઈ: સીઝન ટિકિટને એક મહિના માટે લંબાવવાની રેલવેના ઉતારુઓની માગ

27 March, 2020 07:23 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: સીઝન ટિકિટને એક મહિના માટે લંબાવવાની રેલવેના ઉતારુઓની માગ

ઉપનગરીય રેલ સેવા ૨૩ માર્ચે બંધ થયા બાદ નાલાસોપારા સ્ટેશન સૂમસામ થયું હતું

રેલવેએ ૧૫ કરતાં વધુ દિવસ માટે રેલવે સર્વિસ રદ કરી હોવાથી મુંબઈના રેલના પ્રવાસીઓએ વેસ્ટર્ન અને મધ્ય રેલવે પાસેથી તેમના માસિક પાસની સમયમર્યાદા લંબાવી આપવાની માગણી કરી હતી. જોકે રેલવે અધિકારીઓએ મિડ-ડેને જણાવ્યું હતું કે હજી સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી.

એક મહિલા ઉતારુ પ્રમિલા જગતાપે મિડ-ડેને જણાવ્યું હતું કે મારો પાસ ૩૧ માર્ચે પૂરો થતો હતો પણ રેલ સર્વિસ ૨૩ માર્ચથી જ રદ કરવામાં આવી હતી. રેલવેએ અમને થયેલા નુકસાનનું વળતર આપવું જોઈએ કે પછી સીઝન ટિક‌િટની સમયમર્યાદા લંબાવી આપવી જોઈએ. મુંબઈ રેલવેમાં રોજના લગભગ ૮૦ લાખ ઉતારુઓ પ્રવાસ કરે છે અને એમાંથી ૭૦ ટકા પ્રવાસીઓ પાસધારકો છે.

વેસ્ટર્ન રેલવેના ઉતારુઓનું પ્રતિનિધિત્વ કરતી સત્તાવાર સંસ્થા ઝોનલ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય શૈલેશ ગોયલે કહ્યું હતું કે ઉપનગરીય ટ્રેન ‌સર્વિસ ૧૫ કરતાં વધુ દિવસ માટે બંધ રહી હતી. આવામાં માસિક પાસ કઢાવનારા લોકોને ઓછામાં ઓછુ એક મહિનાનું અને ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક પાસ કઢાવનારા લોકોને જેટલા દિવસ ટ્રેન બંધ રહી એટલા દિવસનું એક્સટેન્શન આપવું જોઈએ. સામાન્ય કરતાં દોઢગણું ભાડું ધરાવતી એસી ટ્રેનની સર્વિસ સૌ પહેલાં રદ કરવામાં આવી હતી. આવામાં એસી ટ્રેનનો પાસ કઢાવનારા લોકોને રેલવેએ ટ્રેન સર્વિસ શરૂ થવાના દિવસથી એક્સટેન્શન આપવું જોઈએ એમ અન્ય એક ઉતારુએ કહ્યું હતું.

મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે મિડ-ડેને જણાવ્યું હતું કે આ સંબંધી નિર્ણય ટ્રેન સર્વિસ શરૂ થયા પછી જ લેવામાં આવશે. આઇઆરસીટીસીના અધિકારીએ જણાવ્યું હતું કે મેલ અને એક્સપ્રેસ ટ્રેનના ઉતારુઓને તેમની ટિક‌િટનું રીફન્ડ આપવાનો નિર્ણય લેવાયો છે તથા ઈ-ટિક‌િટધારકોને ઑટોમૅટિક રીફન્ડ આપવામાં આવી રહ્યું છે.

mumbai mumbai news rajendra aklekar western railway indian railways central railway mumbai local train