મુંબઈ: પાલિકાએ પોદાર સ્કૂલને ક્વૉરન્ટીન સેન્ટર બનાવવાની યોજનાને અટકાવી

21 May, 2020 08:06 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ: પાલિકાએ પોદાર સ્કૂલને ક્વૉરન્ટીન સેન્ટર બનાવવાની યોજનાને અટકાવી

પોદાર ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ૩૦૦ બેડના ક્વૉરન્ટીન સેન્ટર બનાવવાની સુધરાઈની યોજના હતી.

શહેર કોવિડ-૧૯ મહામારી સામે લડી રહ્યું છે. એને પગલે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ખાસ કરીને તેમની ઇમારત પૂરી પાડીને મદદ કરી રહી છે. ત્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશન સાંતાક્રુઝની વિખ્યાત પોદાર ઇન્ટરનૅશનલ સ્કૂલને ક્વૉરન્ટીન સુવિધા તરીકે ઉપયોગમાં લેવાની વિચારણા કરી રહ્યું હતું, પરંતુ સ્થાનિક લોકો તથા વિદ્યાર્થીઓના વાલીઓએ વાંધો ઉઠાવતાં કૉર્પોરેશને વિચાર પડતો મૂક્યો હતો.

આ અંગે સ્થાનિક કૉર્પોરેટરના પત્રને પગલે બીએમસીએ એની યોજના સ્થગિત કરી દીધી છે.

એક વાલી અને સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે ‘સ્કૂલ એવી જગ્યાએ આવેલી છે જ્યાં મોટા ભાગના લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદે છે. જો ત્યાં જ ક્વૉરન્ટીન સુવિધા હશે તો એ જોખમી બનશે.’

એચ-વેસ્ટ વૉર્ડ-ઑફિસર વિનાયક વિસ્પુતેએ સ્પષ્ટતા કરી હતી કે ‘એનો અર્થ એ નથી કે સ્કૂલનો કબજો નહીં લેવાય. જ્યારે જરૂર પડે ત્યારે સ્કૂલનો ઉપયોગ કરવામાં આવશે. સ્કૂલની ઇમારત મોટી હોવાથી તેમ જ ૩૦૦ બેડની સુવિધા ઊભી કરી શકાય એમ હોવાથી કૉર્પોરેશનને યોગ્ય સેવાઓ પૂરી પાડવાનું સાનુકૂળ રહેશે. આ કારણસર સ્કૂલની ઓળખ કરવામાં આવી હતી.’

જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટીએ જણાવ્યા પ્રમાણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ રહેણાક વિસ્તારમાં ક્વૉરન્ટીન સેન્ટર હોવાથી કે નજીકમાં કોવિડ-૧૯નો દરદી હોવાથી વ્યક્તિ પ્રત્યક્ષપણે જ સંક્રમિત નથી થઈ જતો, પરંતુ ભયના કારણે લોકો સ્થિતિને મોટું સ્વરૂપ આપી દે છે.

mumbai mumbai news santacruz coronavirus covid19 pallavi smart lockdown