મુંબઈ: યુનિયનના લૉકડાઉનના એલાનને બેસ્ટના કર્મચારીઓએ ફગાવ્યો

19 May, 2020 08:24 AM IST  |  Mumbai Desk | Rajendra B Aklekar

મુંબઈ: યુનિયનના લૉકડાઉનના એલાનને બેસ્ટના કર્મચારીઓએ ફગાવ્યો

સાયનમાં દોડતી બેસ્ટની બસો. તસવીર : પ્રદીપ ધિવાર

બેસ્ટના જનરલ મૅનેજર સુરેન્દ્ર બગડેએ સંસ્થાનો વિશ્વાસ પ્રબળ કરવા બદલ ગઈ કાલે જાહેરમાં તેના તમામ કર્મચારીઓનો આભાર માનતાં જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ હતો કે ટ્રેડ યુનિયન દ્વારા બોલાવવામાં આવેલા લૉકડાઉનમાં કર્મચારીઓ ભાગ લેશે નહીં. યોજના મુજબ આશરે ૧૨૦૦ બસ રસ્તાઓ પર ઊતરી હતી અને આવશ્યક કામદારોના પરિવહનને કોઈ અસર થઈ ન હતી અને સૂચિત લૉકડાઉનની કોઈ અસર જોવા મળી નહોતી.

બેસ્ટની સંયુક્ત કામગાર કૃતિ સમિતિના કામદાર યુનિયનના નેતા શશાંક શરદ રાવે પણ ખુશી વ્યક્ત કરી હતી કે કામદારોએ તેમના જીવ અને પરિવાર કરતાં પહેલાં રાષ્ટ્રપ્રેમને પ્રાધાન્ય આપ્યું હતું અને મેડિકલ અને અન્ય જીવનાવશ્યક સેવાઓના સ્ટાફની હેરફેરમાં અડચણ આવવા દીધી નહોતી.

જો કે રાવે ચેતવણી આપી હતી કે બેસ્ટનો વહીવટ બરાબર નથી અને અત્યાર સુધીમાં ૧૬ લોકોનાં મોત નીપજ્યાં છે જે શરમજનક છે. બેસ્ટના કામદારો કામ પર નહીં ચઢે તો નવા ઉમેદવારોની ભરતી સંબંધે મેયરે વાત કરી હતી. જોકે મહારાષ્ટ્ર સરકાર આ સમયે હસ્તક્ષેપ કરે અને બેસ્ટના કર્મચારીઓને બચાવવાની જવાબદારી લે તે સમય આવી ગયો છે એમ જણાવી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બેસ્ટના મતે અત્યાર સુધી કોવિડના ચેપથી કુલ આઠ જણ મૃત્યુ પામ્યા છે.

શિવસેના યુનિયનોએ પણ છેલ્લી ઘડીએ ડ્રાઇવરો અને કંડકટરોને ટ્રેડ યુનિયનની ઉશ્કેરણીથી દૂર રહેવાની અપીલ કરી હતી. બગડેએ તેમના પત્રમાં કહ્યું હતું કે બેસ્ટ નિર્ભિક છે, પરંતુ બેદરકાર નથી. તેના કર્મચારીઓને બચાવવાની જવાબદારી સંસ્થાની છે અને તે માટે બેસ્ટ તમામ સંભવિત માર્ગ અપનાવી રહ્યું છે. બેસ્ટના ઉપક્રમે જણાવાયું હતું કે કોરોનાના ચેપને કારણે મૃત્યુ પામેલા તેના કર્મચારીઓના પરિવારને નોકરી આપવાનું પણ શરૂ કરાયું છે અને અત્યાર સુધી ચાર નોકરીઓ આપવામાં આવી છે. બેસ્ટના પ્રવક્તા મનોજ વરાદેએ ગઈ કાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ ૫૪ બેસ્ટ કર્મચારીઓ કોરોના સામેની લડાઈમાં સફળ થયા છે અને તેમને હૉસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.

coronavirus mumbai news mumbai lockdown rajendra aklekar covid19 brihanmumbai electricity supply and transport